વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલા ટોરિસ બાથવેર નામની ફેકટરીમાં ગઈકાલે સવારે સાથે જ રહેતા મધ્યપ્રદેશના વતની શ્રમિક પ્રેમીયુગલે લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત ક૨ી લેતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. સજોડે આપઘાતના આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલા ટોરિસ બાથવેર ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના મમતાબેન સાલકરામ ઉઈકે (ઉ.વ.20) અને મહેન્દ્રભાઈ સંતોષભાઈ કાસદે (ઉ.વ.23) નામના પ્રેમી યુગલે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. પ્રાથમિક તપાસના આપઘાતના આ બનાવમા પહેલા મમતાબેને ગળાફાંસો ખાઈ લીધો હોય મહેન્દ્રભાઈને લાગી આવતા મમતાબેનની લાશને નીચે ઉતારી પોતે પણ ગળાફાંસો ખાઈ લીધો હતો.
નોંધનીય છે કે, પ્રેમીયુગલ દસ દિવસ પહેલા જ ટોરિસ બાથવેરમાં કામ કરવા માટે આવ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




