વાંકાનેરના નવાપરા પંચાસર રોડ પર આવેલી દુધની ડેરીમાં ગઈકાલે સવારે અજાણ્યા તસ્કરે ડેરી સંચાલકની નજર ચૂકવી 1.94 લાખની રોકડ તેમજ ચેકબુક સહિતની વસ્તુઓ સાથેનો થેલો ચોરી કરી લીધો છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા અને નવાપરા પંચાસર રોડ પર જય ગોપાલ ડેરી ફાર્મ ધરાવતા ફરિયાદી લીંબાભાઈ કરશનભાઈ સરૈયા (ઉ.વ.45) નામના વેપારીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સવારે તેઓ ડેરીએ હતા ત્યારે સવારના સમયે કોઈ અજાણ્યો તસ્કર ડેરીના કાઉન્ટર ઉપર પડેલ થેલો ચોરી ગયો હતો. આ થેલામાં રોકડ રૂ. 1.94 લાખ તેમજ બેંકની પાસબુક અને બીલબુક સહિતની ચીજવસ્તુઓ હોય ચોરીની આ ઘટના અંગે પોલીસે લીંબાભાઈની ફરિયાદને આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




