મોરબીના લાલપર ગામે ચાની લારીએ છુટા સિક્કા પરત આપવામાં આવતા નજીવી બાબતે હોટલ સંચાલક અને ગ્રાહક વચ્ચે થયેલો ઝઘડો સમાધાન પછી ફરી વકર્યો હતો. હોટલ સંચાલકે ગ્રાહકના ઘેર જઈ છુટા પથ્થર અને લાકડી વડે હુમલો કર્યો હતો. ઘટનામાં ફરિયાદીની ભત્રીજી ફિરજાબેનને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, રામદેવનગરમાં રહેતા ફરિયાદી ગફારભાઈ દાઉદભાઈ ઠેબાનો દીકરો આફતાબ અને ભત્રીજો મોઈન ચાની લારીએ ચા પીવા ગયા હતા. ચા પીધા પછી ચુકવણીમાં છુટા સિક્કા આપતા થોડી બોલાચાલી થઈ હતી. જેનું પ્રારંભિક રીતે સમાધાન થઈ ગયું હતું. પરંતુ સમાધાન થયા પછી ચારેય આરોપીઓ ભગવાનજી કરશનભાઈ રબારી, દેવરાજ ભગાભાઈ રબારી, રામજી ગોવિંદભાઈ રબારી, જગદીશ બચુભાઈ રબારી ફરિયાદીના ઘેર પહોંચી છુટા પથ્થર અને લાકડી વડે હુમલો કરીને ફિરજાબેનને ઈજા પહોંચાડી હતી.
સામાપક્ષે પણ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, આરોપીઓએ ચાની લારીએ છુટા પૈસા બાબતે ઝઘડો કરી જતા રહ્યા બાદ તેઓ સમાધાન કરવા જતા આરોપીઓએ બેઝબોલના ધોકા વડે હુમલો કરી છુટા પથ્થરના ઘા કરી ફરિયાદીને ફ્રેક્ચર કરી નાખી અન્ય સાહેદોને ઈજાઓ કરી હતી.
પોલીસે બંનેપક્ષની સામસામી ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાએ સમગ્ર લાલપર ગામમાં ચકચાર અને ચિંતાનો માહોલ ઊભો કર્યો છે.




