મોરબી જિલ્લાના માળિયા તાલુકા હાઈવે પર બનેલી એક ઘટનામાં ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર અને તેના સાથીદારો દ્વારા મુસાફર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે.
મળતી વિગતો મુજબ, અમદાવાદ શહેરના ભીલવાસ, પરીક્ષીતલાલ નગર, દાણીલીમડામાં રહેતા રમેશભાઈ ભીખાભાઈ દાફડા (ઉંમર ૩૨) પોતાની સાસુ કમળાબેન સાથે પવન ટ્રાવેલ્સની લક્ઝરી બસ (ક્રમાંક MP-44-ZE-9999) મારફતે કચ્છથી અમદાવાદ આવી રહ્યા હતા. આ દરમિયાન બસ માળિયા તાલુકા હાઈવે પર સૌરાષ્ટ્ર ગાંઠીયા રથ હોટલ નજીક પહોંચતા, મુસાફરે બસ ધીમી હંકારવાની માંગણી કરી હતી. આ મુદ્દે ડ્રાઈવર અસ્લમ (રહે. આદિપુર, કચ્છ) સાથે બોલાચાલી થતાં ડ્રાઈવરે મુસાફર સાથે ગાળો બોલી ઝગડો કર્યો.
પછી ડ્રાઈવરે પોતાના મિત્રોનો સંપર્ક કરી ફરિયાદીને સૌરાષ્ટ્ર ગાંઠીયા રથ હોટલના વોશરૂમ પાસે બોલાવ્યો. ત્યાં ડ્રાઈવર અસ્લમ અને તેના બે અજાણ્યા સાથીદારોએ મળીને રમેશભાઈ પર લાતો-ઘૂંસાનો તેમજ ગળદા પાટુનો માર કર્યો હતો. આરોપીના સાથીદારો દ્વારા લાકડાના દંડાથી હુમલો થતાં ફરિયાદીને ડાબા પગ અને ડાબા હાથે ગંભીર ઈજા પહોંચી હતી.
આ બનાવ અંગે રમેશભાઈ દાફડાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશન, અમદાવાદમાં ફરિયાદ નોંધાવતા, ત્યાંથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




