મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના વરડુસર ગામે પોલીસે જુગારધારા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. વરડુસર ગામની ખડીયા સીમમાં આવેલ સરકારી નર્સરીની પાછળ આરોપીના કબજાની વાડીના મકાનમાં જુગાર રમાતા હોવાની બાતમી મળતા પોલીસે રેઇડ કરી ૮ ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ રકમ સાથે રંગેહાથ પકડી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ. ૩.૮૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં રોકડ રૂ. ૯૭,૦૨૦, આઠ મોબાઇલ ફોન, ચાર વાહનો તથા જુગારમાં વપરાતા ગંજીપતાના પાનાનો સમાવેશ થાય છે.
આ કાર્યવાહી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક એમ.એન. પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા દ્વારા પ્રોહિબીશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે સખત સૂચનાઓ આપવામાં આવી હતી, જે અનુસંધાને આ રેઇડ કરવામાં આવી હતી.
આ રેઇડ પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. એ.એસ.આઈ. રામભાઈ મંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે સ્થળ પર દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પકડાયેલા આરોપીઓમાં નાથાભાઈ લખમણભાઈ ડોડીયા, હમીરભાઈ ગોવિદભાઈ ડાભી, નાજાભાઈ છેલાભાઈ ડાભી, સુરેશભાઈ અરજણભાઈ ડાભી (વરડુસર), સનાભાઈ નરશીભાઈ ઝેઝરીયા (ચુપણી, હળવદ), ભીમાભાઈ ગોવિદભાઈ ઓળકીયા (યુપણી, હળવદ), સંજયભાઈ બીજલભાઈ ફીસડીયા (મૂળ પલાસા, મુળી) તથા દિગ્વિજયસિંહ નટુભા પરમાર (ચુપણી, હળવદ)નો સમાવેશ થાય છે.
કાર્યરત પોલીસ ટીમમાં ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ સાથે એ.એસ.આઈ. રામભાઈ મંહ, કિપાલસિંહ ચાવડા, અજયસિંહ ઝાલા, સામતભાઈ છુછીયા, રાજેશભાઈ પલાણી, અશ્વિનભાઈ રંગાણી, શક્તિસિંહ પરમાર તથા બીજેશભાઈ બોરીચા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને આ કાર્યવાહીથી જુગારધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ કામગીરીથી વિસ્તારમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી ગઈ છે.




