હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર જી.આઈ.ડી.સી. સામે માર્ગ પર બનેલા અકસ્માતમાં ટેન્કરની ખાલી સાઈડમાં બેઠેલા ડ્રાઈવરનું દુર્ભાગ્યે મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, કચ્છ જિલ્લાના અંતરજાળ ગામના રહેવાસી હીરાભાઈ જેસંગભાઈ મિયાત્રાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ટેન્કર (નં. GJ-39-T.A.-8501)ના ચાલક મુસાભાઈ કાળુભાઈ બેલીમે પોતાનું ટેન્કર વધુ ઝડપે હંકારતા હાઈવે પર આગળ જતા ટ્રેલર (નં. GJ-39-T.A.-1722)ના પાછળના ભાગે ભટકાવ્યું હતું.
આ અકસ્માતમાં ટેન્કરના ખાલી ભાગમાં બેઠેલા બીજા ડ્રાઈવર નવીનભાઈ રામજીભાઈ મિયાત્રાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવને લઈ હળવદ પોલીસ સ્ટેશનમાં આરોપી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાઈ ગયો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




