હળવદના દેવળીયા ચોકડીથી સુરવદર રોડ પર ગાડી ચલાવતા આધેડને એક શખ્સે મારપીટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના ધુળકોટ ગામે રહેતા લલીતભાઈ હરખજીભાઈ ભોરણીયા (ઉં. 46) ગાડી લઈને સુરવદર રોડ પર જતા હતા. તે દરમ્યાન સાયકલ ચાલકને તારવવા જતા તેમની ગાડી થોડું રોંગ સાઈડમાં ગઈ હતી. તે સમયે સામે થી રાજેશભાઈ દેવાયતભાઈ આહિર (રહે. સુરવદર) પોતાની બાઈક લઈને આવતા હતા.
આ દરમિયાન બોલાચાલી થઈ હતી. આરોપીએ આધેડને ગાળો બોલતા, આધેડે વિરોધ કરતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ઢીકાપાટુ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફરીયાદી લલીતભાઈ ભોરણીયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે ગુન્હો નોંધાવી તપાસ શરૂ કરી છે.




