હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે નાની બોલાચાલી બાદ યુવક પર ચાર શખ્સોએ મળી લાકડીઓથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે રહેતા મેહુલભાઈ રસીકભાઈ સરવૈયા (ઉંમર ૨૬ વર્ષ) મોટરસાયકલ લઈને પોતાના કામે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં આરોપી જીવાભાઈ રમુભાઈ ભરવાડને તેમની બાઈક અડી જતા બંને વચ્ચે બોલાચાલી થઈ. બોલાચાલી ચાલી રહી હતી ત્યારે પીન્ટુભાઇ સીણાભાઇ, શંકરભાઇ પોપટભાઇ અને જયેશભાઇ ગોકાભાઇ ત્યાં આવી પહોંચ્યા હતા.
ફરીયાદ મુજબ, ચારેય શખ્સોએ મળીને મેહુલભાઈને ભુડાબોલી ગાળો આપી અને લાકડીઓથી આડેધડ મારમાર્યો, જેના કારણે તેમને ઈજા પહોંચી હતી. બાદમાં પીડિત મેહુલભાઈ હળવદ પોલીસ સ્ટેશન પહોંચી ફરીયાદ નોંધાવી હતી.
પોલીસે ફરીયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ હુમલો અને ગંભીર ઈજાની ધારાઓ હેઠળ ગુન્હો નોંધ્યો છે. હળવદ પોલીસે આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે અને ઘટનાની વધુ તપાસ ચાલુ રાખી છે.




