હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમ 1,000 મીટર જેટલી ઈલેક્ટ્રીક કોપર વાયર ચોરી કરી લીધાની ઘટના સામે આવી છે. ચોરી થયેલી વાયરની અંદાજિત કિંમત રૂ. 4,00,000 જેટલી થાય છે. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ મોરબીના નવા બસ સ્ટેશન પાછળ રહેતા સુમિતભાઈ રાજેન્દ્રભાઈ પંડ્યા (ઉંમર 35), જે પ્રાઈવેટ નોકરી કરે છે, તેમણે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદ પ્રમાણે, ચોર ઈસમ સોલાર પ્લાન્ટના કમ્પાઉન્ડ વોલ પર બાંધેલી ફેન્સિંગ વાયર કાપીને દિવાલ ટાપી અંદર પ્રવેશ્યો હતો અને ટ્રાન્સફોર્મર રૂમ પાસે રાખેલી ઈલેક્ટ્રીક કોપર કેબલ આશરે 1,000 મીટર જેટલી લંબાઈમાં કાપીને ચોરી કરી ગયો હતો. હળવદ પોલીસે ફરીયાદના આધારે અજાણ્યા આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.




