માળિયા મીયાણા પોલીસે સોનગઢ ગામે રામજી મંદિર પાછળ ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આશરે રૂપિયા 47,14,800 ના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી પાડીને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લામાં ડીઝલ ચોરી અને ઘરફોડ ચોરી જેવી ગુનાખોરીની વધતી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકની ખાસ સૂચના મુજબ માલિયા મીયાણા પોલીસ સ્ટાફ સતત સર્વેલન્સ કામગીરી કરી રહ્યો છે.
તે અનુસંધાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે સ્થળ ઉપર રેડ પાડી હતી. રેડ દરમિયાન આઈશર કંપનીનું ટેન્કર (GJ-19-Y-1551) જેમાં આશરે 22,000 લીટર ડીઝલ ભરેલું હતું તેની કિંમત રૂ. 45,60,000 જેટલી થતી હતી. ઉપરાંત 200 લીટરની ક્ષમતા ધરાવતા 9 બેરલોમાં 1,800 લીટર જેટલું ડીઝલ પણ કબજે કરવામાં આવ્યું હતું. આરોપીઓ પાસેથી લોખંડના વાલ્વવાળી નળીઓ અને મોબાઇલ ફોન સહિતનો મુદામાલ મળી કુલ કિંમત રૂ. 47,14,800 થાય છે.
પોલીસે શ્યામજીસિંહ કૈલાશસિંહ રાજપૂત (ઉંમર 53, મૂળ રહેવાસી ભદોઇ, ઉત્તર પ્રદેશ, હાલ દસક્રોઇ અમદાવાદ) તથા પરેશભાઈ ઉર્ફે લાલો ભુરાભાઈ વીરડા (ઉંમર 41, રહે. સોનગઢ, માલિયા મીયાણા) ને ઝડપી પાડ્યા છે. ચોરીમાં સંડોવાયેલા અન્ય એક આરોપી દશરથભાઈ જશાભાઈ ડુંબલ, રહે. મોટી બરાર, માલિયા મીયાણા અંગે વધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સફળ કામગીરી માટે માલિયા મીયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફની મહત્વની ભૂમિકા રહી હતી.




