મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં ચાલતા જુગારના અખાડા પર મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી 12 ઈસમોને ઝડપી પાડ્યા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે, પ્રિયદર્શન પૂર્ણશંકરભાઇ ઠાકર (ઉંમર 60, રહે. રવાપર રોડ, સોમનાથ સોસાયટી, પ્લેટિનિયમ હાઈટ્સ-601) પોતાની ઓફિસમાં બહારથી માણસોને બોલાવી જુગાર રમડાવતો હોવાની બાતમી આધારે પોલીસએ રેડ પાડી હતી.
દરોડામાં પ્રિયદર્શન ઠાકર સહિત કુલ 12 ઇસમોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો. રોકડ રૂ. 2,08,200, મોબાઇલ 11 નંગ કિંમત રૂ. 1,80,000, 1 કાર અને 3 બાઇક કિંમત રૂ. 6,50,000
કુલ મુદ્દામાલની કિંમત રૂ. 10,38,200 છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 4-5 હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.




