HomeMorbiમોરબીમાં માતા-પિતાની સામે શેરીમાં રમતી અઢી વર્ષની બાળકી ઉપર કારનું વ્હીલ ફરી...
મોરબીમાં માતા-પિતાની સામે શેરીમાં રમતી અઢી વર્ષની બાળકી ઉપર કારનું વ્હીલ ફરી વળતાં બાળકીનું કમકમાટીભર્યું મોત
મોરબી શહેરમાં આલાપ રોડ પર આવેલા પટેલનગરમાં એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ઘરના આંગણે શેરીમાં રમતી અઢી વર્ષની માસૂમ બાળકી ઉપર એક કારનું વ્હીલ ફરી વળતા બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ ગત તારીખ ૨૨/૦૨/૨૦૨૬ ના રવિવારના રોજ સાંજના સવા છ વાગ્યાના અરસામાં વાસુદેવભાઈ તેમના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બેઠા હતા અને તેમની અઢી વર્ષની દીકરી ધનશ્રી શેરીમાં રમતી હતી. ત્યારે અચાનક મારૂતી સુઝુકી કંપનીની બલેનો કાર રજીસ્ટર નં. GJ-36-AJ- 9315 ના ચાલક નિરવભાઈ મહાદેવભાઈ ભોરણીયા રહે. જુના દેવળીયા, તા. હળવદવાળા પોતાની કાર લઈને નીકળ્યા હતા. તેઓએ બાળકીને હડફેટે લીધી હતી. બાળકીના શરીર પર આગળ અને પાછળનું વ્હીલ ફરી વળતાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક નિરવભાઈએ કાર ઉભી રાખી હતી અને પોતાનું નામ જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી પિતા, પડોશી વિપુલભાઈ સાંણજા અને કાર ચાલક નિરવભાઈ બાળકીને સારવાર માટે નિરવભાઈની જ કારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. થોડીવારમાં બાળકી બેભાન થઈ જતા ફરજ પરના ડોક્ટરે તપાસીને તેને મૃત જાહેર કરી હતી.આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચીને બાળકીના મૃતદેહનું મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. હાલમાં વાસુદેવભાઈ વડસોલાની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક નિરવભાઈ ભોરણીયા સામે બી.એન.એસ. કલમ ર૮૧, ૧રપ(બી), ૧૦૬(૧) તથા એમ.વી. એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.