HomeMorbiહળવદના કોયબામાં ઝેરી પાણી છોડનાર ફેક્ટરીના ત્રણ ભાગીદાર સીઆઈડીના રડારમાં
હળવદના કોયબામાં ઝેરી પાણી છોડનાર ફેક્ટરીના ત્રણ ભાગીદાર સીઆઈડીના રડારમાં
હળવદ તાલુકાના કોયબા ગામે આવેલી કેમપ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવતું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ અંગે સીઆઈડી ક્રાઈમે ત્રણ કારખાનેદારો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી આસપાસના ખેતરો અને ખુલ્લી જમીનમાં છોડવામાં આવતું હોવાની બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમના પીએસઆઈ એ.સી. ઈશરાણી તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પાણીના નમૂનાઓ કબજે કરી એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિક પરીક્ષણમાં પાણીમાં હાઈડ્રોજન અને ક્લોરાઈડના તત્ત્વો મળી આવતા તે હાઈડ્રોક્લોરિક એસિડના ઘટકો હોવાનું સામે આવ્યું હતું. આ ઝેરી પાણીના કારણે માનવ અને પશુજીવનને જોખમ તેમજ જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને ગંભીર નુકસાન થવાની શક્યતા હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને પાણી છોડવામાં આવતું હોવાનો આરોપ છે. આ મામલે સીઆઈડી ક્રાઈમના પીએસઆઈએ જૂના દેવળિયાના અલ્પેશ અંબાલાલ વશિયાણી, સંજય અમરશી પટેલ અને વિજય જસમત પટેલ સામે ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ની કલમ ૨૭૦, ૨૭૧, ૨૭૨ અને ૫૪ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.