HomeMorbiસમાધાનના બહાને બોલાવી યુવક પર લોખંડના પાઇપથી હુમલો ; મોરબીમાં ત્રણ સામે...
સમાધાનના બહાને બોલાવી યુવક પર લોખંડના પાઇપથી હુમલો ; મોરબીમાં ત્રણ સામે ગુનો નોંધાયો
મોરબી શહેરમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપીઓએ લોખંડના પાઇપ વડે માર મારી યુવકને ઇજાગ્રસ્ત કર્યો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના વિશીપરા ધોળેશ્વર રોડ, કેશ્વાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર–૦૧માં રહેતા ઇમરાનભાઈ હનીફભાઈ સુમરા (ઉ.વ.૩૫)એ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી આસીફભાઈ હુસેનભાઈ સુમરા, અરબાઝભાઈ હુસેનભાઈ સુમરા અને સલમાબેન હુસેનભાઈ સુમરા (બન્ને રહે. વિશીપરા ચાર ગોદામ પાસે, ગુલાબનગર, મોરબી)ને આરોપી તરીકે નામજોગ કર્યા છે. ફરીયાદ મુજબ આરોપી સલમાબેન સાથે અગાઉ થયેલા માથાકૂટના સમાધાન માટે આસીફભાઈ અને અરબાઝભાઈએ ફરીયાદીને બોલાવ્યા હતા. ત્યાં પહોંચતા આરોપીઓએ લોખંડના પાઇપ વડે ફરીયાદીની પીઠ પર પ્રહાર કરી તેને નીચે પછાડી દીધો હતો. બાદમાં બન્ને પગ પર પણ પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. સાથે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.