HomeMorbiમોરબીમાં મહિલા શિક્ષિકાના પતિ સહિત 6 સામે ત્રાસનો આક્ષેપ : દહેજ અને...

મોરબીમાં મહિલા શિક્ષિકાના પતિ સહિત 6 સામે ત્રાસનો આક્ષેપ : દહેજ અને મારકૂટની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ પોતાના પતિ સહિત સાસરીયાના કુલ 6 લોકો સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે સિદ્ધાર્થ સોસાયટીમાં હાલ માવતરે રહેતી અને પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હેતલબેન જયકિશનભાઈ રાઠોડ (ઉ.વ.૩૫) એ પોતાના પતિ જયકિશનભાઈ ભાણજીભાઈ રાઠોડ, સસરા ભાણજીભાઈ શિવાભાઈ રાઠોડ, સાસુ જયાબેન ભાણજીભાઈ રાઠોડ (ત્રણેય રહે. શિવશક્તિ સોસાયટી, ચોટીલા, જી.સુરેન્દ્રનગર) તેમજ દિયર ઉપેન્દ્રભાઈ ભાણજીભાઈ રાઠોડ (રહે. મોટી ખોમભડી, તા. નખત્રાણા, જી.કચ્છ), નણંદ દિપિકાબેન વાઓ હરેશભાઈ પરમાર અને નણંદોઈ હરેશભાઈ ગણેશભાઈ પરમાર (રહે. સંકલ્પ એપાર્ટમેન્ટ, ગાયત્રી મંદિર રોડ, રાણીપ, અમદાવાદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ લગ્નજીવન દરમિયાન નાની-મોટી બાબતો તેમજ ઘરકામ અને કરિયાવર મુદ્દે અવારનવાર હેરાનગતિ કરવામાં આવતી હતી. આરોપીઓ દ્વારા મેણાટોણા, ગાળો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ઉપરાંત પતિ દ્વારા વારંવાર મારકૂટ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. મોરબી મહિલા પોલીસએ ફરિયાદના આધારે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular