HomeMorbiમોરબીના ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી કરનાર બે તસ્કરો ભક્તોની વોચમાં ફસાયા, રંગેહાથ...
મોરબીના ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી કરનાર બે તસ્કરો ભક્તોની વોચમાં ફસાયા, રંગેહાથ ઝડપાઈ પોલીસ હવાલે
મોરબી શહેરના નાગનાથ શેરી વિસ્તારમાં આવેલા દશાશ્રીમાળી વણિક કગથરા કુટુંબના ખોડિયાર માતાજીના મંદિરમાં થયેલી આશરે રૂ. ૫૦ હજારની ચોરીનો આખરે ભેદ ઉકેલાયો છે. ચોરી બાદ સતર્ક બનેલા ભક્તોએ ફિલ્મી અંદાજમાં મંદિર પર સતત વોચ ગોઠવી હતી અને ફરી ચોરી કરવા આવેલા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડી પોલીસને સોંપી દીધા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ મંદિરના પૂજારી પ્રફુલભાઈ દવે સવારે મંદિર ખોલવા પહોંચ્યા ત્યારે દાનપેટીનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તપાસ કરતા પેટીમાં રહેલી અંદાજે રૂ. ૫૦ હજારની રોકડ રકમ ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની જાણ થતા ટ્રસ્ટીઓ અને પરિવારજનોમાં રોષ ફેલાયો હતો.
ચોરી બાદ પરિવારના સભ્યો જતીનભાઈ મહેતા, ભાવિકભાઈ, મહેશભાઈ સહિતના યુવાનોને શંકા હતી કે ચોર ફરી મંદિર તરફ આવશે. જેથી તા. ૫ મે થી મંદિર પર ગુપ્ત રીતે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બે શંકાસ્પદ યુવકો મંદિર આસપાસ વારંવાર આંટાફેરા કરતા નજરે પડતા હતા.
સાંજે આશરે ચાર વાગ્યે બંને શખ્સોએ માતાજી પાસે રાખેલી ₹૫૦૦ની નોટ ચોરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ દાનપેટી ખોલવાની હરકત કરતા જ વોચમાં બેઠેલા ઋષભભાઈ પારેખ અને જતીનભાઈએ તરત જ બંનેને દબોચી લીધા હતા. ઝડપાયેલા શખ્સોમાં ઋત્વિકભાઈ ઉર્જેશભાઈ જોષી રહે. ગ્રીન ચોક, કડીયા શેરી, મોરબી તથા વરૂણ મનસુખભાઈ ડોડીયા રહે. નાગનાથ શેરી, મોરબીનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ તાત્કાલિક ૧૧૨ પર કરવામાં આવતા મોરબી એ-ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.