HomeMorbiફાયર સેફ્ટીમાં મોરબી મહાનગરપાલિકાની સક્રિય કામગીરી: 86 લોકોને તાલીમ, 7 આગના બનાવોમાં...
ફાયર સેફ્ટીમાં મોરબી મહાનગરપાલિકાની સક્રિય કામગીરી: 86 લોકોને તાલીમ, 7 આગના બનાવોમાં ત્વરિત રેસ્ક્યૂ
મોરબી: મોરબી મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા તા. 24 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન ફાયર સેફ્ટી અને પ્રિવેન્શનને કેન્દ્રમાં રાખી નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. એક સપ્તાહ દરમિયાન વિવિધ સંસ્થાઓમાં ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવાની સાથે ફાયર સેફ્ટી સિસ્ટમની ચકાસણી અને આગની ઘટનાઓમાં ત્વરિત કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન 2 હોસ્પિટલના 17 સ્ટાફ, 3 ઇન્ડસ્ટ્રીઝના 51 કર્મચારીઓ, 1 પેટ્રોલ પંપના 8 કર્મચારીઓ તેમજ 1 કોમર્શિયલ એકમના 10 કર્મચારીઓને મળી કુલ 86 લોકોને ફાયર પ્રિવેન્શન અને ઇમરજન્સી સમયે બચાવ અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરની વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમની તપાસ કરવામાં આવી હતી. જ્યાં નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું ત્યાં સંબંધિત બિલ્ડિંગોને નોટિસ ફટકારી જરૂરી સુધારા કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટે આવેલી 4 અરજીઓને આર.એફ.ઓ. કચેરીમાં આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે.
એક સપ્તાહ દરમિયાન મોરબી શહેરમાં 1 રેસ્ક્યૂ કોલ ઉપરાંત 7 અલગ-અલગ સ્થળોએ આગ લાગવાના બનાવોમાં ફાયર વિભાગના જવાનોએ સંપૂર્ણ PPE કિટ અને આધુનિક સાધનો સાથે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન અટકાવ્યું હતું.
ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ફાયર સેફ્ટી અંગે લોકોમાં જાગૃતિ વધે, ઇમરજન્સી સમયે યોગ્ય પગલાં લેવાય અને જાન-માલનું નુકસાન ટાળી શકાય તે માટે આવા તાલીમ કાર્યક્રમો સતત ચાલુ રાખવામાં આવશે. કોઈપણ આગની ઘટના કે અન્ય ઇમરજન્સીમાં નાગરિકો (02822) 230050, 101 અથવા 112 પર તાત્કાલિક સંપર્ક કરી શકે છે.