HomeMorbiમોરબી: ગ્રાહક અદાલતનો મોટો ચુકાદો, એર એમ્બ્યુલન્સનો ક્લેઇમ નકારનાર વીમા કંપનીને ફટકાર,...

મોરબી: ગ્રાહક અદાલતનો મોટો ચુકાદો, એર એમ્બ્યુલન્સનો ક્લેઇમ નકારનાર વીમા કંપનીને ફટકાર, વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશ

મોરબીના ઉદ્યોગપતિની તરફેણમાં ચુકાદો

મોરબીના વતની અને ઉદ્યોગપતિ ભાર્ગવભાઈ જમનાદાસ ફડદુને કોરોના થતાં રાજકોટની શેલ્સ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે ચેનાઈ એરબસ (એર એમ્બ્યુલન્સ) મારફતે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે આઈ.સી.આઈ. સી.આઈ લૉમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ પોલિસીમાં આવી સુવિધા ઉપલબ્ધ ન હોવાનું બહાનું કાઢી વીમો આપવાની ના પાડી દીધી હતી. આ અન્યાય સામે ભાર્ગવભાઈએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.

અદાલતે વીમા કંપનીની દલીલો ફગાવી

કેસની વિગત મુજબ, કોરોના મહામારી દરમિયાન ભાર્ગવભાઈની તબિયત લથડતાં તેમને કટોકટીની સ્થિતિમાં એરબસ દ્વારા ચેનાઈ ખસેડાયા હતા. વીમા કંપનીએ એવી દલીલ કરી હતી કે પોલિસીમાં એરબસનો ઉપયોગ થઈ શકે નહીં અને તે માટે એડિશનલ પ્રીમિયમ ભરવું પડે. જોકે, ગ્રાહક અદાલતે આ દલીલોને નકારી કાઢી જણાવ્યું કે ગ્રાહક વર્ષોથી નિયમિત પ્રીમિયમ ભરે છે અને જ્યારે જીવનું જોખમ હોય ત્યારે દર્દીના જીવનો સવાલ મુખ્ય હોય છે.

દંડ અને વ્યાજ સાથે ચૂકવણીનો હુકમ

ગ્રાહક અદાલતે વીમા કંપનીને આદેશ કર્યો છે કે ગ્રાહકને રૂ. ૭,૯૬,૯૫૬ (સાત લાખ છનુ હજાર નવસો છપ્પન) ની રકમ તા. ૭/૧૧/૨૫ થી ૬ ટકાના વ્યાજ સાથે અને રૂ.૫,૦૦૦ ના ખર્ચ સાથે બે માસમાં ચૂકવી આપવી. જો સમય મર્યાદામાં આ રકમ ચૂકવવામાં નહીં આવે તો ૯ ટકા લેખે વ્યાજ ચૂકવવું પડશે તેવો કડક હુકમ પણ કરવામાં આવ્યો છે.

ગ્રાહક સુરક્ષા મંડળની અપીલ: કોઈપણ ગ્રાહકે મેડિકલ કે અન્ય પોલિસી લેતા પહેલાં વીમા કંપનીના નિયમોની બારીકાઈથી તપાસ કરવી જોઈએ. જો કોઈ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular