HomeMorbiદીકરીઓની કિકમાં દેખાયું ગુજરાતનું ઉજ્જવળ ભવિષ્ય: મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં જામનગરનો...
દીકરીઓની કિકમાં દેખાયું ગુજરાતનું ઉજ્જવળ ભવિષ્ય: મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં જામનગરનો દબદબો
મોરબીના આંગણે રમતગમત ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અને મોરબી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ “સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ
ટૂર્નામેન્ટ-2026″ નો ભવ્ય સમાપન સમારોહ આજે તારીખ 10.07.2026 ના રોજ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ, મોરબી ખાતે સંપન્ન થયો હતો. દીકરીઓમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને ફૂટબોલની રમતને સ્થાનિક સ્તરે વેગ મળે તેવા ઉદ્દેશ્ય સાથે આ ટૂર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ગત તારીખ 06.07.2026 થી આરંભ થયેલ આ ટૂર્નામેન્ટમાં ગુજરાતના 11 જુદા જુદા જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો અને ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. 4 ગ્રુપની પ્રથમ આવેલ ટીમો વચ્ચે સેમી ફાઇનલ મેચ રમાયેલ, જેમાં રાજકોટની ટીમે સુરતની ટીમને તથા જામનગરની ટીમે વડોદરાની ટીમને મ્હાત આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આજરોજ રમાયેલી મહા રોમાંચક ફાઇનલ મેચ રાજકોટ અને જામનગર વચ્ચે રમાઈ હતી. ફાઇનલ મેચમાં જામનગર જિલ્લાની ટીમનું પ્રભુત્વ શરૂઆતથી જ રહ્યું હતું. જામનગર જિલ્લાની ટીમ વતી અવની મીઠાપરા અને સંજના મેનિયા દ્વારા 2-2 ગોલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માનસી ધાપા, ઉર્મિલાબેન ધોરીયા તથા દિવ્યા પટેલ દ્વારા 1-1 ગોલ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાની ટીમ દ્વારા 3 સેલ્ફ ગોલ થતાં મેચના અંતે ફાઇનલ સ્કોર 10-0 થી જામનગરની ટીમ ભવ્ય વિજેતા બની હતી.
આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓના પ્રદર્શનના આધારે ગુજરાતની સ્ટેટ ટીમના કેમ્પ માટે 30 પ્લેયર અને 5 સ્ટેન્ડ બાય પ્લેયરનું સિલેકશન પણ કરવામાં આવ્યું છે.
ચેમ્પિયન અને રનર્સ-અપ ટીમને મેડલ તથા ટ્રોફી મોરબી ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના પ્રમુખ ડૉ. દેવેનભાઈ રબારી, ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના પ્રિન્સિપાલ બિનોદ સર અને એસોસિએશનના સેક્રેટરી જીતુભાઈ રબારીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આટલી સુંદર ટૂર્નામેન્ટનું આયોજન કરવા બદલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા મોરબી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનની વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોરબી ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “આજે મેદાન પર દોડતી આપણી દીકરીઓના દરેક કિકમાં મને ગુજરાતનું ઉજ્જવળ ભવિષ્ય દેખાયું છે. આ નાની બાળાઓએ સાબિત કરી દીધું છે કે જ્યારે દીકરીઓના પગમાં ફૂટબોલ આવે છે, ત્યારે તેઓ માત્ર ગોલ નથી કરતી, પરંતુ સમાજની તમામ સીમાઓને પાર કરીને સફળતાનું એક નવું આકાશ સર કરે છે! રમતગમત એ માત્ર હાર-જીતનો ખેલ નથી, પરંતુ તે આત્મવિશ્વાસ, શિસ્ત અને ક્યારેય ન હારવાની જીદ શીખવે છે. મોરબી ફૂટબોલ એસોસિએશનનું એક જ વિઝન છે – દરેક મેદાન પર આપણી દીકરીઓ રમે, ખીલે અને દેશનું નામ રોશન કરે. અમે સ્થાનિક સ્તરે ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા બદલ હું GSFA, સ્કૂલ પ્રશાસન, વાલીઓ અને મીડિયા મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું.”
સમાપન સમારોહમાં મોરબીના સ્થાનિક અગ્રણીઓ, રમતપ્રેમીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.