HomeMorbiહળવદના સુસવાવ નજીક બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટરએ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી
હળવદના સુસવાવ નજીક બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટરએ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી
મોરબી જિલ્લામાં ચોમાસાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ જળાશયોની સ્થિતિ અને ડિઝાસ્ટર વ્યવસ્થાપનની ચકાસણી અર્થે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે એ હળવદ તાલુકાના સુસવાવ નજીક આવેલા બ્રાહ્મણી-૨ ડેમની પ્રત્યક્ષ મુલાકાત લઈને જળાશયની પ્રવર્તમાન સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ ડેમ આસપાસના વિસ્તારમાં થયેલા વરસાદ, કેચમેન્ટ એરિયામાં પાણીની આવક તેમજ નીચાણવાળા સંભવિત અસરગ્રસ્ત ગામો અંગેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં, તેમણે ડેમના દરવાજાની કાર્યક્ષમતા, સ્થળ પર હાજર ફરજિયાત સ્ટાફની તૈનાતી, કટોકટીના સમયે જરૂરી ડીઝલનો પર્યાપ્ત જથ્થો તેમજ ડેમ પર આવેલા પંપિંગ સ્ટેશનની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી તંત્રને સતર્ક રહેવા કડક સૂચના આપી હતી.
આ સ્થળ તપાસ દરમિયાન મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર, સિંચાઈ વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર હરદીપ છૈયા, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર મહેશ દામા અને હળવદ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.