HomeMorbiમોરબી-રાજકોટ હાઈવે પર તંત્રની લીપાપોતી! ડામરના બદલે માટી-મોરમથી પૂરાયા ખાડા, વરસાદે ખોલી...

મોરબી-રાજકોટ હાઈવે પર તંત્રની લીપાપોતી! ડામરના બદલે માટી-મોરમથી પૂરાયા ખાડા, વરસાદે ખોલી પોલ; અકસ્માતનો ખતરો યથાવત

મોરબી-રાજકોટ હાઈવેની બિસ્માર હાલતને લઈને ઉઠેલા પ્રશ્નો બાદ તંત્ર હરકતમાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ મરામતની કામગીરી ગુણવત્તાના અભાવે માત્ર દેખાવ પૂરતી જ રહી હોવાનું સામે આવ્યું છે. ડામરથી કાયમી સમારકામ કરવાની જગ્યાએ અનેક સ્થળોએ માટી અને મોરમ નાખીને ખાડા પૂરવામાં આવ્યા હતા, જે પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જતાં માર્ગ ફરીથી ખાડાઓથી ભરાઈ ગયો છે. પરિણામે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ફરી ગંભીર બન્યું છે.

માર્ગ પર નાખવામાં આવેલી માટી-મોરમ વરસાદના પાણી સાથે ધોવાઈ જતાં અસમતલ રસ્તો અને ખુલ્લા ખાડાઓ ફરીથી દેખાવા લાગ્યા છે. માર્ગનું યોગ્ય લેવલિંગ પણ કરવામાં આવ્યું ન હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં હજારો વાહનોની અવરજવર ધરાવતા આ વ્યસ્ત માર્ગ પર આવી વેઠ વાળતી કામગીરી તંત્રની બેદરકારી અને આયોજનના અભાવને ઉજાગર કરતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

મોરબી-રાજકોટ હાઈવે અગાઉ પણ અકસ્માતપ્રવણ માર્ગ તરીકે ઓળખાતો રહ્યો છે. હાલની સ્થિતિને જોતા ફરી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો અને વાહનચાલકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક યુદ્ધના ધોરણે ગુણવત્તાસભર ડામરથી કાયમી મરામત કરાવે અને પ્રજાના જીવ સાથે ચેડાં કરતી લીપાપોતી બંધ કરીને સુરક્ષિત અને સમસ્યામુક્ત માર્ગ ઉપલબ્ધ કરાવે.

RELATED ARTICLES

Most Popular