HomeMorbi‘બેટી બચાવો બેટી પઢાઓ’ અંતર્ગત મોરબીમાં યોજાયો ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ: 100...

‘બેટી બચાવો બેટી પઢાઓ’ અંતર્ગત મોરબીમાં યોજાયો ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ: 100 જેટલી દીકરીઓએ જિલ્લા કલેક્ટર સાથે કર્યો સીધો સંવાદ

‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન અન્વયે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘કોફી વિથ કલેક્ટર’ના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબીની વિવિધ સ્કૂલ-કોલેજની ૧૦૦ જેટલી દીકરીઓએ ભાગ લઈ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

સંવાદ દરમિયાન જિલ્લા કલેક્ટરએ દીકરીઓને વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ, શિક્ષણ તથા કૌશલ્યલક્ષી અભ્યાસનું મહત્વ અને બાળ સુરક્ષા તથા કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે દીકરીઓને જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નિર્ધારિત કરી આગળ વધવા પ્રોત્સાહિત કરી હતી.

સંવાદ બાદ દીકરીઓએ જિલ્લા સેવા સદનના વિવિધ સરકારી વિભાગોની રૂબરૂ મુલાકાત લઈ પ્રજાલક્ષી કામગીરી અને યોજનાઓનું આયોજન અને અમલીકરણ કઈ રીતે થાય છે તેનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. મુલાકાત પૂર્ણ થયે કલેક્ટરએ પોતાની ચેમ્બરમાં ૧૦ દીકરીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી તેમના પ્રતિભાવો અને સૂચનો મેળવ્યા હતા.

આ ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે પણ દીકરીઓ સાથે સંવાદ કરી તેમના ઉત્સાહને બિરદાવ્યો હતો.

આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિબેન રાજાવઢા, જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર દિગ્વિજય સોલંકી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular