HomeMorbiમોરબીમાં WBBL ક્રિકેટ મેચ પર સટ્ટાનો પર્દાફાશ! ઓનલાઈન રન અને હારજીતનો જુગાર...
મોરબીમાં WBBL ક્રિકેટ મેચ પર સટ્ટાનો પર્દાફાશ! ઓનલાઈન રન અને હારજીતનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
મોરબીમાં ક્રિકેટ સટ્ટાબાજો સામે પોલીસની કાર્યવાહી સામે આવી છે. મહિલા બિગ બૅશ લીગની મેચ પર ઓનલાઈન રન અને હારજીતનો સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હોય તે વેળાએ મળેલી બાતમીના આધારે ઘનશ્યામ માર્કેટ પાસે ભવાની સોડાવાળી શેરીમાંથી યુનુસભાઈ કાસમભાઈ દલવાણી નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પોતાના મોબાઈલમાં CREX એપ્લિકેશન દ્વારા WBBL-2026ની SYS વિરુદ્ધ MLS વચ્ચે ચાલી રહેલી મહિલા ક્રિકેટ મેચ પર લાઈવ સ્કોર જોઈને રન તેમજ હારજીતનો સટ્ટો રમી અને રમાડી રહ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન આરોપી પાસેથી મોબાઈલ ફોન, ક્રિકેટના આંકડા લખેલી ચિઠ્ઠી અને રોકડ રકમ કબજે કરેલ છે . પૂછપરછમાં આ કાળા કારોબારમાં ઇમ્તિયાઝ ઉર્ફે બાલો અબ્દુલભાઈ ચાનીયાનું નામ પણ સામે આવ્યું હતું, જેને પોલીસે ઝડપી લીધો હતો. આ ઉપરાંત, ફિરોઝ માજોઠી રહે. મોરબીવાળાનું નામ પણ ખૂલ્યું હતું.
તેમજ પોલીસે બંને આરોપીઓની અંગજડતીમાંથી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૩૫,૮૦૦ /- નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ-૧૨(એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે.