HomeMorbiઇન્સ્ટાગ્રામની ફ્રેન્ડશિપ બની હનીટ્રેપનું હથિયાર! મોરબીમાં યુવકને ફસાવી રૂ.12 લાખ પડાવવાની ધમકી,...
ઇન્સ્ટાગ્રામની ફ્રેન્ડશિપ બની હનીટ્રેપનું હથિયાર! મોરબીમાં યુવકને ફસાવી રૂ.12 લાખ પડાવવાની ધમકી, પાંચ સામે ગુનો નોંધાયો
મોરબીમાં સોશિયલ મીડિયાની ઓળખાણના આધારે યુવકને કથિત રીતે હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવાનો પ્રયાસ થયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મેસેજથી શરૂ થયેલી વાતચીત બાદ યુવકને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કરી રૂ.12 લાખની માગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ પર ભંભોડીની વાડી વિસ્તારમાં રહેતા અને હાર્ડવેરની દુકાન ચલાવતા 22 વર્ષીય નરેશભાઈ ચુનીલાલભાઈ નકુમે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાએ તેમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને ત્યારબાદ મેસેજ દ્વારા વાતચીત શરૂ થઈ હતી.
આ દરમિયાન અન્ય આરોપીઓએ યુવકને ‘તું મારી બહેન સાથે કેમ વાતચીત કરે છે?’ તેમ કહી રૂ.12 લાખ આપવા દબાણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. એટલું જ નહીં, રૂપિયા નહીં આપે તો મારામારી કરી ઈજા પહોંચાડવાની તથા યુવકના ઘરે તેમની બહેનને મૂકી જવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે.
આ મામલે કિશનભાઈ ઉર્ફે રાજુભાઈ મુછડીયા (રહે. જાંબુડિયા), તેજશભાઈ પઢારીયા (રહે. રામપર), ભાવેશભાઈ મનસુખભાઈ કંઝારીયા (રહે. મોરબી), ભીમજીભાઈ મહાદેવભાઈ પરમાર (રહે. રવાપર) અને એક મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.