HomeMorbiમોરબીમાં જરૂરીયાતમંદ બાળકોના મુખ પર સ્મિતની રંગોળી રચી યંગ ઇન્ડિયા ગ્રુપે ઉજવી...
મોરબીમાં જરૂરીયાતમંદ બાળકોના મુખ પર સ્મિતની રંગોળી રચી યંગ ઇન્ડિયા ગ્રુપે ઉજવી માનવતાની દિવાળી
‘આપવાનો આનંદ’ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને ફટાકડાની કીટ, હલવો-ગુલાબજાંબુ સહિતનું સ્વાદિષ્ટ ભોજન કરાવી તહેવારની ખુશીઓ વહેંચી
મોરબી : દિવાળીના દીવડાઓ ઘરના આંગણાને ઝળહળાવે છે, પરંતુ કોઈના ચહેરા પર ખુશીનું સ્મિત ખીલાવવું એ જ માનવતાના સાચા અજવાળાની અનુભૂતિ કરાવે છે. આ જ સેવાભાવનાને સાકાર કરતાં મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ‘આપવાનો આનંદ’ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા આશરે ૪,૦૦૦ જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી અનોખી રીતે માનવતાની દિવાળી ઉજવવામાં આવી હતી.
યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ બાળકોને વિવિધ ફટાકડાની કીટનું વિતરણ કરી તેમના તહેવારને રંગીન બનાવ્યો હતો. એટલું જ નહીં, બાળકોને હલવો, ગુલાબજાંબુ સહિતનું સ્વાદિષ્ટ ભોજન કરાવી ભરપેટ જમાડવામાં આવ્યા હતા. સામાન્ય રીતે તહેવારોની રોનકથી વંચિત રહી જતાં આ બાળકો માટે આ ઉજવણી આનંદ અને યાદગાર ક્ષણો લઈને આવી હતી. ફટાકડાની કીટ અને મીઠાઈની ખુશી વચ્ચે બાળકોના ચહેરા પર ખીલેલું નિર્દોષ સ્મિત ગ્રુપના સભ્યો માટે સૌથી મોટો સંતોષ બની રહ્યું હતું. આ પ્રયાસ માત્ર વસ્તુઓના વિતરણ પૂરતો મર્યાદિત ન રહેતાં બાળકોને પરિવાર જેવી હૂંફ, પ્રેમ અને આત્મીયતાનો અનુભવ કરાવતો માનવતાભર્યો પ્રસંગ બન્યો હતો.
શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારો અને માનવસેવાના આદર્શોથી પ્રેરણા લઈને યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા આશરે ૧૭ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. ગ્રુપ દ્વારા તહેવારોને માત્ર વ્યક્તિગત ઉજવણી નહીં, પરંતુ સામાજિક જવાબદારી અને સેવાના અવસર તરીકે જોવામાં આવે છે. ‘આપવાનો આનંદ’ અભિયાન પાછળનો મુખ્ય આશય સમાજના છેવાડાના વર્ગ સુધી તહેવારોની ખુશીઓ પહોંચાડવા ઉપરાંત માનવીય સંવેદના, આત્મીયતા અને સામાજિક સમરસતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે.
યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડો.દેવેનભાઈ રબારીએ આ સેવાકીય પ્રયાસ અંગે લાગણીસભર વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પ્રકૃતિએ દરેક મનુષ્યને સમાન હૃદય આપ્યું છે, પરંતુ સંજોગોએ સૌના ભાગ્યમાં સમાન સુખ લખ્યું નથી. કોઈના આંગણે સમૃદ્ધિનો વૈભવ છે, તો કોઈને સામાન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. આમ છતાં આનંદ અનુભવવાની ઝંખના દરેક માનવીના હૃદયમાં એકસરખી હોય છે.
દિવાળીમાં આપણે પોતાનાં ઘરોને દીવડાઓથી પ્રકાશિત કરીએ છીએ, પરંતુ આપણી આસપાસ અભાવ અને અધૂરી ઇચ્છાઓ વચ્ચે જીવતા લોકો સુધી સંવેદનાનો પ્રકાશ પહોંચે એ જ સાચી પ્રકાશની ઉપાસના છે. દીવડાની જ્યોત અંધકાર દૂર કરે છે, જ્યારે કરુણા અને માનવતાથી પ્રગટેલો પ્રકાશ કોઈના જીવનમાંથી વંચિતપણાની લાગણી દૂર કરવાની શક્તિ ધરાવે છે.
આજે આશરે ૪,૦૦૦ બાળકો સાથે ખુશીઓ વહેંચતાં ફરી એકવાર અનુભવાયું છે કે જીવનની કેટલીક અમૂલ્ય ખુશીઓ પૈસાથી ખરીદી શકાતી નથી. આ કોઈ દાન કે ઉપકાર નથી, પરંતુ સમાજ પ્રત્યેના આપણા ઋણનો નાનકડો સ્વીકાર છે. બાળકોના ચહેરા પરનું નિર્દોષ સ્મિત અને તેમની આંખોમાં છલકાતો આનંદ જ અમારી સૌથી મોટી મૂડી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માણસનું જીવન કેટલું લાંબું હશે તે આપણા હાથમાં નથી, પરંતુ એ જીવન કેટલું અર્થસભર બનાવવું તે ચોક્કસ આપણા હાથમાં છે. જીવનની સાચી સફળતા આપણે કેટલું એકત્રિત કર્યું તેમાં નહીં, પરંતુ આપણા અસ્તિત્વથી કેટલાં જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું તેમાં રહેલી છે.
આ દિવાળીએ માત્ર ઘરોનું જ નહીં, હૃદયનું પણ અજવાળું વધારવાની જરૂર છે. વિચારોમાં ઉદારતા, વ્યવહારમાં આત્મીયતા અને જીવનમાં સામાજિક જવાબદારીને સ્થાન આપીએ. આપણા ઘરમાં અજવાળું હોય એ આપણું સૌભાગ્ય છે, પરંતુ આપણા કારણે કોઈ બીજાના જીવનમાં અજવાળું થાય એ જ આપણા જીવનનું સાચું સાર્થક્ય છે. અંતમાં દેવેનભાઈ રબારીએ આગામી નવા વર્ષમાં પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શિક્ષણ, આરોગ્ય, માનવસેવા અને જરૂરિયાતમંદ પરિવારોના ઉત્થાનને લગતી સેવાકીય પ્રવૃત્તિઓ વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.