હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં બુટ ભવાની માતાજીના મંદિર નજીક આવેલા ચોક પર ત્રણ શખ્સોએ બોલેરો ગાડીમાં આવી એક આધેડ પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ભલગામડા ગામે રહેતા રઘુભાઈ બનેસંગભાઈ ભાટિયા (ઉંમર 46) તેમના પર આરોપી સામતભાઈ રામજીભાઈ ઝાપડા (રહે. હળવદ પોલીસ લાઇન પાછળ) તથા જીગ્નેશસિંહ સુખદેવસિંહ ઝાલા અને હરદિપસિંહ સુખદેવસિંહ ઝાલા (બંને રહે. સાપકડા, તા. હળવદ)એ મળીને હુમલો કર્યો હતો.
આરોપીઓએ ફરિયાદીને કહ્યું હતું કે, ભલગામડા ગામમાં 220 કેબી સબસ્ટેશનનું કામ ચાલી રહ્યું છે, તો તમે અમારી રેતી નાખવા કેમ નથી દેતા? એવી નારાજગી વ્યક્ત કરી ફરિયાદીને ઢીકા-પાટુ માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફરિયાદીના હુકમથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.




