દેવળીયા ગામ નજીક ફાઉન્ટન હોટેલ પાસે ટ્રકના કાચ તોડી રૂ. 2 લાખની લૂંટ થવાના બનાવ અંગે 112 જનરક્ષક હેલ્પલાઈન પર ખોટી ફરિયાદ નોંધાવનાર ટ્રક ચાલક તેમજ તેને ખોટું બોલવા પ્રેરેતા ટ્રાન્સપોર્ટરો સહિત કુલ 5 આરોપીઓને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે.
મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં અમદાવાદમાં વસતા ટ્રક ડ્રાઈવર સુરેશ સરજુભાઈ આહીરે 112 પર ફોન કરી અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. બાદમાં પોલીસે પૂછપરછ આગળ વધારતા સુરેશે કબૂલાત કરી હતી કે વાસ્તવમાં કોઈ લૂંટ થઈ નહોતી, માત્ર ટ્રકનો કાચ ફૂટ્યો હતો. ટ્રાન્સપોર્ટરના કહેવાથી તેણે પોલીસને ખોટી માહિતી આપી હતી.
હળવદ પોલીસે સુરેશ સરજુભાઈ આહીર સાથે સાથે ટ્રાન્સપોર્ટર રાજા ઉર્ફે જયેશ અશોકભાઈ અગ્રવાલ, નિલેશ અગ્રવાલ, માળીયાના હૈદરભાઈ મોવર અને અબ્દુલભાઈ ભટ્ટીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે જનરક્ષક 112ને ખોટી ફરિયાદથી દોડાદોડી કરાવી તંત્રને ભ્રાંતિમાં મૂકવા બદલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




