HomeMorbiમોરબીમાં ‘ફેક પત્રકાર’નો ભાંડો ફૂટ્યો: 1 લાખની ખંડણી માંગતા બે ઝડપાયા, પોલીસ...

મોરબીમાં ‘ફેક પત્રકાર’નો ભાંડો ફૂટ્યો: 1 લાખની ખંડણી માંગતા બે ઝડપાયા, પોલીસ દ્વારા સ્થળ પર રિ-કન્સ્ટ્રક્શન

મોરબી શહેરમાં પત્રકાર હોવાની ખોટી ઓળખ આપી તોડપાણી અને લૂંટનો પ્રયાસ કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું.

ફરિયાદી વિશાલ મહેશભાઈ પાચાણીએ આપેલી માહિતી મુજબ, વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણા નામના બે શખ્સો તેમની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. બંનેએ કેમેરો ચાલુ કરીને પોતાને “મોરબી ટાઈમ્સ” નામની ન્યૂઝ ચેનલના પત્રકાર તરીકે ઓળખાવ્યા હતા. ત્યારબાદ તેમણે ધમકીભર્યા સ્વરે કહ્યું હતું કે, “તમે ખોટો ધંધો કરો છો, 1 લાખ રૂપિયા આપો નહીં તો તમને બદનામ કરી દઈશું.” ફરિયાદીએ પૈસા આપવા અસમર્થતા વ્યક્ત કરતા બંને આરોપીઓ ઉશ્કેરાયા હતા. તેઓએ ફરિયાદીને ખેંચી નીચે લઈ જઈ ખિસ્સામાં હાથ નાખીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા આજે આરોપીઓને સ્થળ પર લઈ જઈ ગુનાની સંપૂર્ણ પ્રક્રિયાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું, જેથી તપાસને વધુ મજબૂતી મળી રહે.

ઉલ્લેખનીય છે ફરિયાદી વિશાલ પાચાણીએ અન્ય વેપારીઓ અને નાગરિકોને અપીલ કરી છે કે, જો કોઈપણ આવા કથિત પત્રકારો દ્વારા હેરાનગતિનો ભોગ બન્યા હોય તો હિંમતપૂર્વક પોલીસ પાસે ફરિયાદ નોંધાવે, જેથી ખોટી ઓળખ આપીને દાદાગીરી કરનાર તત્વો સામે કડક કાર્યવાહી થઈ શકે અને સાચા પત્રકારોની પ્રતિષ્ઠા જળવાઈ રહે.

RELATED ARTICLES

Most Popular