HomeMorbiમોરબી જીલ્લા પોલીસ એક્શન મોડમાં; બે દિવસમાં 100થી વધુ કેસ, 412 લીટર...

મોરબી જીલ્લા પોલીસ એક્શન મોડમાં; બે દિવસમાં 100થી વધુ કેસ, 412 લીટર દેશી દારૂ જપ્ત

મોરબી: મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પોલીસ દ્વારા પ્રોહીબિશન હેઠળ કડક કાર્યવાહી હાથ ધરાતા દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓમાં હડકંપ મચી ગયો છે. રવિવારે 50થી વધુ કેસ નોંધાયા બાદ સોમવારે પણ સમગ્ર જિલ્લામાં વ્યાપક દરોડા પાડીને કુલ 52 કેસમાં 52 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન 412 લીટર દેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ખાસ કરીને માળીયા મિયાણા તાલુકામાં સૌથી વધુ કાર્યવાહી નોંધાઈ હતી. અહીં 12 કેસ નોંધાઈ 155 લીટર દેશી દારૂ તેમજ 34 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડવામાં આવ્યો હતો. સિરામિક સહિતની વિવિધ ઇન્ડસ્ટ્રીઝને કારણે મોરબી જિલ્લામાં શ્રમિક વર્ગમાં નશાની કુટેવ વધતા દેશી દારૂના ધંધાર્થીઓ બેફામ બની અલગ અલગ વિસ્તારોમાં ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. આ ફરિયાદોને પગલે પોલીસે સઘન ઝુંબેશ હાથ ધરી હતી.

વિભાગવાર કાર્યવાહી પર નજર કરીએ તો

સીટી એ ડિવિઝન: 6 કેસ, 70 લીટર,

બી ડિવિઝન: 9 કેસ, 32 લીટર

તાલુકા પોલીસ: 7 કેસ, 63 લીટર

વાંકાનેર સીટી: 3 કેસ, 9 લીટર

વાંકાનેર તાલુકા: 4 કેસ, 33 લીટર

ટંકારા: 3 કેસ, 11 લીટર

હળવદ: 8 કેસ, 39 લીટર

વાંકાનેર અને અન્ય વિસ્તારોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરાયું.

આ સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ 52 આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીને કારણે દારૂના ગેરકાયદેસર ધંધાર્થીઓમાં દહેશત ફેલાઈ છે અને આવનારા દિવસોમાં પણ આવી જ ઝુંબેશ ચાલુ રહેશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular