HomeMorbiટંકારા પંથકમાં વીજવાયર ચોરીનો ભંડાફોડ: ૯.૨૯ લાખના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો
ટંકારા પંથકમાં વીજવાયર ચોરીનો ભંડાફોડ: ૯.૨૯ લાખના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો
ટંકારા તાલુકામાં G.E.B.ના થાંભલાઓ પરથી એલ્યુમિનિયમના ઇલેક્ટ્રિક વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી ટંકારા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં અરણેશ્વર ફીડરના 16 પોલ પરથી 1800 મીટર એલ્યુમિનિયમ વાયર તથા મિતાણા, હીરાપર અને સરાયા ગામની સીમમાં અલગ અલગ જગ્યાએથી કુલ 7240 મીટર વાયર અજાણ્યા ઈસમો દ્વારા કાપી ચોરી કરવામાં આવ્યો હતો. આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ગુનાઓ નોંધાયા હતા. પોલીસ દ્વારા ભંગારના ડેલા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન છતર- વાછકપર રોડ પર નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન Bolero Maxi (નં. GJ-03-BW-3157) શંકાસ્પદ હાલતમાં મળી આવી. વાહન ચેક કરતા તેમાં એલ્યુમિનિયમ વાયરના ગૂંચરા મળી આવ્યા હતા.
વાહનચાલક પાસે માલ અંગે કોઈ બિલ કે આધાર પુરાવો ન હોવાને કારણે પોલીસે કડક પૂછપરછ કરી. જેમાં આરોપીએ સાવડી ગામની સીમમાંથી વાયર ચોરી કરવાની કબૂલાત આપી. રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરતાં મિતાણા, હીરાપર અને સરાયા ગામમાંથી પણ ચાલુ-બંધ લાઇન કાપી ચોરી કર્યાની કબૂલાત આપી. આરોપીઓ વાયરને ભઠ્ઠીમાં સળગાવી તેના ઢાળી બનાવી છતર-રાજકોટ હાઈવે પર આવેલા ભંગારના ડેલામાં સંતાડતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કુલ રૂ. 9,29,750નો એલ્યુમિનિયમ ઢાળીયા સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલ આરોપીનું નામ કિશન મોહનલાલ ગુર્જર (ઉ.વ. 26), રહે. ડીડવાના તા. આમેટ, જી. રાજસમંદ (રાજસ્થાન) હોવાનું સામે આવ્યું છે. પૂછપરછ દરમિયાન કિશન આશારામ ગુર્જર (પીથા કા ખેરા, તા. દેવગઢ, જી. રાજસમંદ), કૈલાશસિંહ ઉર્ફે જીવરાજસિંહ રાવત (હાલ ટંકારા, મૂળ બ્યાવર, રાજસ્થાન) તથા શ્રવણસિંહ (રાજસ્થાન) નામના અન્ય ત્રણ ઈસમોના નામ ખુલ્યા છે. પોલીસે બાકીના આરોપીઓને ઝડપી પાડવા તપાસનો દોર તેજ કર્યો છે.