HomeMorbiગેસ કટોકટીના ભડકામાં મોરબી સિરામિક ઉદ્યોગ! ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં તણાવથી પ્રોપેન સપ્લાય...

ગેસ કટોકટીના ભડકામાં મોરબી સિરામિક ઉદ્યોગ! ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં તણાવથી પ્રોપેન સપ્લાય બંધ થવાની કગાર પર

મોરબીનો વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ હાલ ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ પ્રોપેન ગેસની સપ્લાય માત્ર આવતીકાલ સુધી જ ઉપલબ્ધ રહેવાની શક્યતા છે, જેના કારણે શહેરના મોટાભાગના સિરામિક યુનિટોમાં ઉત્પાદન પ્રક્રિયા અટકી જવાની ભીતિ સર્જાઈ છે. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ અને ખાસ કરીને Strait of Hormuz વિસ્તારમાં ઉભી થયેલી અસ્થિર પરિસ્થિતિએ મોરબીના ઉદ્યોગને સીધી અસર પહોંચાડી છે.

મોરબીના અંદાજે 60 થી 65 ટકા સિરામિક ઉદ્યોગો મુખ્ય ઇંધણ તરીકે પ્રોપેન ગેસ પર નિર્ભર છે. ગેસનો નિયમિત પુરવઠો ખોરવાતા સિરામિક ટાઈલ્સ અને અન્ય ઉત્પાદનો બનાવતી ફેક્ટરીઓ માટે ભઠ્ઠીઓ ચાલુ રાખવી મુશ્કેલ બની છે. Iran અને Israel વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારત તરફ આવતાં ગેસ ભરેલા મોટાભાગના વેસલ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પરથી પસાર થઈ શકતા નથી. પરિણામે સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે અને ગેસનો જથ્થો સીમિત થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે સૂત્રોના મતે, ફેક્ટરીઓને બુધવાર સુધી જ ગેસ મળવાની શક્યતા છે. જો પરિસ્થિતિમાં તાત્કાલિક સુધારો નહીં આવે તો મોટા પાયે શટડાઉન અનિવાર્ય બનશે. નેચરલ ગેસ પર પણ અનિશ્ચિતતા

પ્રોપેનના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતા નેચરલ ગેસ અંગે પણ ચિંતાજનક વાતો સામે આવી રહી છે. જોકે Gujarat Gas દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, બજારમાં ચર્ચા છે કે આગામી દિવસોમાં નેચરલ ગેસના પુરવઠામાં પણ કાપ મૂકાઈ શકે છે. જો આવું બનશે તો સિરામિક ઉદ્યોગ માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

શટડાઉનનો સીધો ફટકો રોજગારીને ગેસ સપ્લાય બંધ થશે તો 60 થી 65 ટકા ઉદ્યોગોને ફરજિયાત શટડાઉન કરવું પડશે. આ અસર માત્ર ઉત્પાદન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ હજારો મજૂરો અને કામદારોની રોજગારી પર સીધી અસર કરશે. મોરબીની અર્થવ્યવસ્થામાં સિરામિક ઉદ્યોગનો મોટો ફાળો હોવાથી સમગ્ર વ્યવસાયિક પરિસ્થિતિ પર પણ તેની અસર પડશે.

‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ વિશ્વના મહત્વપૂર્ણ શિપિંગ રૂટ્સમાંનો એક છે, જ્યાંથી ભારત માટે ગેસ લાવતા જહાજો પસાર થાય છે. હાલના યુદ્ધજન્ય તણાવને કારણે આ રૂટ પરથી વેસલનું આગમન અટકી પડ્યું છે. જ્યાં સુધી ગેસ ભરેલા જહાજો ફરીથી નિયમિત રીતે આવવાનું શરૂ નહીં કરે, ત્યાં સુધી મોરબીના સિરામિક ઉદ્યોગ પર ગેસ કટોકટીનું વાદળ યથાવત રહેશે. ઉદ્યોગકારોમાં ભારે ચિંતા વ્યાપી છે અને સરકાર તરફથી તાત્કાલિક હસ્તક્ષેપ તથા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

RELATED ARTICLES

Most Popular