HomeMorbiહોળીના રમતમાં ખલેલ: માળીયામાં યુવકને છરી બતાવી જાનથી મારવાની ધમકી, ત્રણ શખ્સો...
હોળીના રમતમાં ખલેલ: માળીયામાં યુવકને છરી બતાવી જાનથી મારવાની ધમકી, ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધાયો
માળીયા મીયાણા તાલુકામાં હોળી પર્વની ઉજવણી દરમિયાન ઉશ્કેરાટભરી ઘટના સામે આવી છે. નાળિયેરની રમત રમતા યુવકો સાથે કારમાં આવેલા ત્રણ શખ્સોએ ગાળો આપી ઝઘડો કરી છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાધરવા ગામના રહેવાસી મિતરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૨૫) એ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ હોળીના તહેવાર નિમિત્તે તેઓ તથા તેમના મિત્રો નાળિયેરની રમત રમતા હતા, ત્યારે આરોપી યુસુફ ઉર્ફે ભાણો સંધવાણી (રહે. ખીરઈ), કાસો સામતાણી (રહે. ચિખલી) અને જુસબ (રહે. ખીરઈ) અલ્ટો કારમાં આવી ભુંડી ગાળો બોલી માર મારવાની ધમકી આપી સ્થળ પરથી નીકળી ગયા હતા. આ બનાવ બાદ ફરીયાદી તથા તેમના મિત્રો આરોપીઓ પાછળ ગયા ત્યારે તેઓ સફેદ રંગની ફોર્ચ્યુનર કાર સાથે જી.કે. હોટલના ગ્રાઉન્ડમાં ઉભા હતા. ત્યાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફરીયાદ મુજબ ત્રણેય આરોપીઓએ ભેગા મળી ગાળો બોલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી માળીયા મીયાણા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.