HomeMorbiપંચાયતોની મુદત પૂર્ણ: મોરબી જિલ્લા અને તમામ તાલુકા પંચાયતોમાં વહીવટદારની નિમણૂક
પંચાયતોની મુદત પૂર્ણ: મોરબી જિલ્લા અને તમામ તાલુકા પંચાયતોમાં વહીવટદારની નિમણૂક
ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયતોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતી હોવાને કારણે નવી પંચાયત રચાય ત્યાં સુધી વહીવટદારની નિમણૂક કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગુજરાત પંચાયત અધિનિયમ-1993 હેઠળ પંચાયતોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતા નવી ચૂંટણીઓ યોજાઈને નવી બોડી રચાય તે જરૂરી છે. પરંતુ કેટલીક જગ્યાએ ચૂંટણીઓ યોજાઈને પ્રથમ બેઠક મળવા સુધીનો સમયગાળો રહેતો હોવાથી વહીવટી કામકાજ ચાલુ રહે તે માટે રાજ્ય સરકારે તાત્કાલિક વ્યવસ્થા તરીકે વહીવટદાર નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.
સરકારના આ આદેશ મુજબ રાજ્યની 31 જિલ્લા પંચાયતો અને 232 તાલુકા પંચાયતોમાં મુદત પૂર્ણ થયા બાદ નવી બોડી રચાય અને પ્રથમ બેઠક મળે ત્યાં સુધી સંબંધિત જિલ્લા પંચાયતમાં કલેક્ટરને વહીવટદાર તરીકે અને તાલુકા પંચાયતમાં સંબંધિત અધિકારીને વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવશે.
આ સમયગાળા દરમિયાન વહીવટદાર પંચાયતના દૈનિક વહીવટી કામકાજ, વિકાસ કામો તથા જરૂરી કામગીરી નિયમ મુજબ ચાલુ રાખશે. પરંતુ આ દરમિયાન કોઈ નવી નીતિ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે નહીં.
સરકારના આ નિર્ણયથી પંચાયતોની મુદત પૂર્ણ થયા બાદ પણ વિકાસ કાર્યો અને વહીવટી પ્રક્રિયા સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતોની મુદત ૧૭ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂર્ણ થઈ રહી છે. રાજ્ય સરકારના હુકમ મુજબ, જ્યાં સુધી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પંચાયતોની નવી બોડીની રચના થાય અને પ્રથમ બેઠક મળે ત્યાં સુધી મોરબી જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતોમાં વિવિધ અધિકારીઓને વહીવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
મોરબી જિલ્લામાં કોને વહીવટદારની જવાબદારી સોંપાઈ?
મોરબી જિલ્લા પંચાયત: કલેકટર, કલેક્ટર કચેરી, મોરબી
મોરબી તાલુકા પંચાયત: પ્રાંત અધિકારી, મોરબી, માળિયા(મી) તાલુકા પંચાયત: પ્રાંત અધિકારી, હળવદ, ટંકારા તાલુકા પંચાયત: પ્રાંત અધિકારી, મોરબી, વાંકાનેર તાલુકા પંચાયત: પ્રાંત અધિકારી, વાંકાનેર, હળવદ તાલુકા પંચાયત: પ્રાંત અધિકારી, હળવદ