HomeMorbiવાંકાનેરમાં ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે LCBનો મોટો પ્રહાર: 4 ડમ્પર સાથે રૂ....

વાંકાનેરમાં ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે LCBનો મોટો પ્રહાર: 4 ડમ્પર સાથે રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને પરિવહન સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) અને પેરોલ-ફર્લો સ્કોડની ટીમે વાંકાનેર તાલુકા વિસ્તારમાં સફળ કાર્યવાહી કરીને રોયલ્ટી પાસ વગર રેતી (સિલીકા) વહન કરતા ચાર ટ્રક ડમ્પરો ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 158 ટન જેટલી રેતી તેમજ વાહનો સહિત રૂ. 1,00,79,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખી પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન વાંકાનેર તાલુકાના લુણસર રોડ તેમજ ગારીડાથી ગુંદાખડા તરફ જતા માર્ગ પર કેટલાક ટ્રક ડમ્પરોમાં રેતીનું ગેરકાયદેસર પરિવહન થતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ચાર ટ્રક ડમ્પરોમાં મોટી માત્રામાં સિલીકા રેતી ભરેલી મળી આવી હતી. વાહનચાલકો અને સંચાલકો પાસેથી રેતીના પરિવહન માટે જરૂરી રોયલ્ટી પાસ તેમજ અન્ય આધાર-પુરાવાઓ માંગવામાં આવ્યા હતા. જોકે તેઓ કોઈપણ પ્રકારના માન્ય દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. જેથી ખાણ-ખનીજ નિયમોના ભંગ બદલ પોલીસે એમ.વી. એક્ટની કલમ-207 મુજબ તમામ વાહનોને ડિટેઇન કરી જપ્ત કર્યા હતા.

પોલીસે જપ્ત કરેલી રેતીની કિંમત આશરે રૂ. 79 હજાર જેટલી હોવાનું અને ચારેય ડમ્પરો સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂ. 1,00,79,000 જેટલી થતી હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે વાહનોના માલિકો સામે જરૂરી કાર્યવાહી માટે કેસને મોરબી ખાણ-ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

ખાણ-ખનીજ વિભાગ દ્વારા હવે ગેરકાયદેસર ખનીજ પરિવહન બદલ દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મોરબી એલસીબીની આ કામગીરીને ખનીજ માફિયાઓ સામેની મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને પરિવહન અટકાવવા માટે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ વધુ સઘન બનાવવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

RELATED ARTICLES

Most Popular