HomeMorbiમોરબીમાં પ્રેમપ્રકરણે ફાયરિંગ: ખૂનની કોશિશ કરનાર બિહારની ગેંગના ચાર શખ્સો ઝડપાયા

મોરબીમાં પ્રેમપ્રકરણે ફાયરિંગ: ખૂનની કોશિશ કરનાર બિહારની ગેંગના ચાર શખ્સો ઝડપાયા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં ઓરિએન્ટલ બેંકવાળી શેરીમાં પ્રેમસંબંધની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરી રિવોલ્વર જેવા હથિયારથી ફાયરિંગ કરાયાની ચકચારી ઘટનામાં મોરબી પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ચાર આરોપીઓને દબોચી લીધા છે.

ઘટનાને પગલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી, સર્વેલન્સ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે લઘધીરપુર રોડ પર આવેલા ભંગારના ડેલામાં દરોડો પાડીને ગણતરીની કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં નિરંજનભાઈ તિલકપ્રસાદ બિંદ, હિમાંશુભાઈ નિરંજનભાઈ બિંદ (રહે. પાવનપાર્ક સોસાયટી, મોરબી-૨, મૂળ બિહાર), ચંદનભાઈ મહેશભાઈ જમાદાર (રહે. બેલા-રંગપર, મૂળ બિહાર) તથા મોહનભાઈ અનુજભાઈ બિંદ (રહે. લઘધીરપુર રોડ, મૂળ બિહાર)નો સમાવેશ થાય છે.

પ્રાથમિક પોલીસ તપાસમાં પ્રેમસંબંધની અદાવતને કારણે આરોપીઓએ યુવક પર હુમલો કરી ફાયરિંગ કરીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસે ગુનાના અન્ય પાસાઓની પણ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular