HomeMorbiહળવદમાં જાહેરનામાનો ભંગ: ‘લોટ્સ સ્પા’ના સંચાલક સામે મોરબી એસ.ઓ.જી.ની કાર્યવાહી
હળવદમાં જાહેરનામાનો ભંગ: ‘લોટ્સ સ્પા’ના સંચાલક સામે મોરબી એસ.ઓ.જી.ની કાર્યવાહી
હળવદ સરા ચોકડી નજીક આવેલા ‘લોટ્સ સ્પા’માં મોરબી એસ.ઓ.જી. દ્વારા કરવામાં આવેલી ઓચિંતી તપાસ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયાનું સામે આવતા સ્પાના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર્ટર મુજબ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન મળેલી બાતમીના આધારે સરા ચોકડી ક્રોસ રોડ પાસે હોટલ પાછળ આવેલા કોમ્પ્લેક્સની દુકાન નં. ૧૧૨માં ચાલતા ‘લોટ્સ સ્પા’માં તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન રિસેપ્શન કાઉન્ટર પર હાજર સંચાલક મંગાભાઈ હિરાભાઈ રાજપરા (ઉં.વ. ૩૯, રહે. હળવદ બસ સ્ટેશન પાછળ) પાસેથી સ્પાના લાયસન્સ તથા અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સ્પામાં કામ કરતા વર્કર્સના બાયોડેટા ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં ફરજિયાત નોંધણી કરાવવામાં આવી ન હતી.
વધુ તપાસમાં સંચાલકે બે કર્મચારીઓની માહિતી છુપાવી હોવાનું પણ સામે આવ્યું હતું. આ રીતે જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા નં. એમએજી-૨/સ્પા પાર્લર/જા.નામુ/૨૯૦૫(૭)/૨૦૨૬નું ઉલ્લંઘન થયું હોવાનું પંચોની હાજરીમાં નોંધાયું હતું.
આ મામલે પોલીસે જાહેરનામાના ભંગ બદલ બી.એન.એસ. કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધી સંચાલક સામે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.