રાજકોટ જિલ્લાના ટંકારા પોલીસ મથકના PI યુવરાજસિંહ ગોહિલ સામે જુગારધામ પર દરોડા પાડ્યા બાદ 41 લાખથી વધુની લાંચ લેવા સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ રદ્દ કરવા PIએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જોકે, હાઇકોર્ટે ફરિયાદ રદ કરવા ઇનકાર કર્યો છે. રાજ્યે અરજદારની આ અરજીનો વિરોધ કર્યો હતો.
આરોપીના નામ મુદ્દે સુધારાનો આદેશ કર્યો હતો અરજદાર PI તરફથી એડવોકેટે એવી રજૂઆત કરી હતી કે, અરજદારે PIની સત્તા હેઠળ એક સ્થળે દરોડા પાડ્યા હતા અને જુગારધામ પકડી પાડ્યું હતું. જેની ફરિયાદ નોંધાઇ હતી અને 10 જેટલા લોકોના નામ આરોપી તરીકે ઉમેરવામાં આવ્યા હતા. આ ફરિયાદ નોંધાયા બાદ મીડિયામાં એના અહેવાલો પ્રકાશિત થયા હતા અને તમામ આરોપીઓના ફોટો મીડિયામાં છપાયા હતા. જેમાં તિરથ ફળદુ નામના એક આરોપીનો ફોટો છપાયો હતો અને તિરથે તેનું નામ રવિ મનસુખભાઇ પટેલ તરીકે આપ્યું હતું. તેથી રવિએ પોલીસનો સંપર્ક કરી તેનું નામ કઇ રીતે આવ્યું અને ફોટો તો કોઇ બીજાનો હોવાનું જણાવ્યું હતું. મેજીસ્ટ્રેટ સમક્ષ પણ મામલો પહોંચ્યો હતો અને આરોપીએ ખોટું નામ આપ્યું હોવાથી તે મુદ્દે સુધારાનો આદેશ કર્યો હતો. ફરિયાદમાં સુધારો કરવામાં આવ્યો હતો. તેમ છતાંય આ ઘટનાના એક મહિના બાદ PI સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા.
વધુમાં રજૂઆત કરી હતી કે અરજદાર સામે એવા આક્ષેપ થયા હતા કે, દરોડા વખતે તેમણે 41 લાખની માંગ કરી હતી. આ રૂપિયા દરેક આરોપીઓએ ભેગાં મળીને આપ્યા હોવાનો અને 10 લાખ રૂપિયા મોબાઇલ વગેરે છોડવા માટે આપ્યા હોવાનો આક્ષેપ પણ થયો હતો. હવે જો બધાએ રૂપિયા આપ્યા હોય તો પછી માત્ર તિરથનું નામ જ રવિ કઇ રીતે કર્યુ? એટલું જ નહીં તમામના મોબાઇલ જપ્ત કરીને કોર્ટ સમક્ષ મુદ્દામાલ તરીકે જમા કરાવ્યા છે. તેથી દરેક આક્ષેપો પાયાવિહોણા અને ખોટાં છે.
સરકારે રજૂઆત કરી હતી કે, અરજદાર પોલીસ ઇન્સ્પેક્ટર હોવાનું કહે છે અને તેમ છતાંય ભાગેડૂ છે અને હજુ સુધી તે સામે આવ્યા નથી. તેમણે 12 લાખ રૂપિયાની માગ કરી હતી અને 41 લાખ બીજા માગ્યા હતા. જે બાબતના પુરાવા સામે આવ્યા છે. હાઇકોર્ટે અરજી રદ કરી હતી. નોંધનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા DIG નિર્લિપ્ત રાય સહિતની ટીમ સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહી હતી.




