હળવદ તાલુકાના ઢવાણા નજીક માર્કેટિંગ યાર્ડમાં તલી વેચી ઘરે જઈ રહેલા ધ્રાંગધ્રાના જીવા ગામના ખેડૂતને પગે લાગવાનું કહી રૂ.1.22 લાખની લૂંટ ચલાવનાર સાધુ રૂપે શૈતાન તેમજ તેના મળતીયા વિરુદ્ધ અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગત તા.3 ના રોજ બપોરના સમયે હળવદ યાર્ડમાં તલ વેચી પરત ઘેર જઈ રહેલા ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના રહેવાસી ખેડૂત અરજણભાઈ રણછોડભાઈ કાચરોલાને ઢવાણા પાટિયા નજીક એક કાળા કલરની કારના ચાલકે રોકી નજીકમાં કોઈ મંદિર છે કે કેમ તેમ કહી આમતેમની વાતો કરી અને બાદમાં કારમાં બેઠેલા સાધુને પગે લાગવાનું કહેતા અરજણભાઈ પગે લાગવા જતા જ અરજણભાઈનું પાકિટ પડાવી લઈ પહેલા 10 હજાર કાઢી લીધા હતા.
એટલું જ નહીં, બાદમાં તલના વેચાણના આવેલા રૂ. 1.12 લાખ પણ બળજબરીથી લૂંટી બન્ને શખ્સ અરજણભાઈને પછાડી ભાગી જતા બે દિવસ બાદ અંતે બનાવ અંગે પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો.

