મહિલા અભયમ 181 હેલ્પલાઇન એ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે શરૂ કરાયેલી એક મહત્વપૂર્ણ પહેલ છે. આ સેવા 24×7 ઉપલબ્ધ છે અને મહિલાઓને ભયમુક્ત વાતાવરણમાં જીવન જીવવા અને પોતાના અધિકારો માટે લડવા સક્ષમ બનાવે છે. ત્યારે હાલમાં જ મોરબીમાં 181 ની ટીમે મહિલાને આપઘાત કરતા બચાવી નવું જીવનદાન આપ્યું હતું.
ગત તા.25 જુલાઈને શુક્રવારના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઈનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ ક૨વામાં આવ્યો હતો કે એક અજાણી મહિલા મોરબી એલ.ઈ.ગ્રાઉન્ડ પાસે ટ્રેનની નીચે આપઘાત ક૨વા જઈ રહ્યા છે અને આ મહિલા કોઈનું કાઈ પણ માનતા નથી, આમ તેમ દોડાદોડી કરે છે તેમજ મહિલા કાંઈ પણ બોલતા નથી અને ખુબ જ રડે છે તેમજ ખુબ જ ગભરાયેલી હાલતમાં છે, ત્યાંના લોકોએ પુછપરછ કરી છતાં મહિલાએ કઈ જણાવ્યું નહીં બોલતા નથી અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદની જરૂર છે.
જેના પગલે 181 કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ રસીકભાઈ ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચ્યા હતા અને મહિલાને ત્યાંના લોકોએ એ.ઈ.ગ્રાઉન્ડ પર જ સુરક્ષિત રીતે બેસાડેલા હતાં. ત્યાં પહોંચી સૌપ્રથમ મહિલાને સાંત્વના આપવામાં આવી તેમજ 181 ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.
મહિલાનું ખુબ જ સંવેદનશીલતા પૂર્વક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું જે દરમિયાન મહિલા એ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેને છેલ્લા દસ મહિનાથી એક યુવક સાથે ફેસબુક દ્વારા પ્રેમ સંબંધ હતો તે યુવક મહિલાને રોજ નાની નાની વાતે માનસિક રીતે તેમજ શારીરિક રીતે ત્રાસ આપવામાં આવતો હોય અને મારઝુડ કરતા હોય તેમજ મહિલા સાથે ગેર વર્તન કરી અપશબ્દો બોલીને મહિલાને હેરાન કરતાં હોય મહિલાને લગ્ન કરવાની લાલચ આપીને વારંવાર મળવા બોલાવતો, જ્યારે મહિલા એ લગ્ન ક૨વાનું કહ્યું ત્યારે યુવકે લગ્ન કરવાની ના પાડતા મહિલાને મનમાં લાગી આવતા ઘરેથી કોઈને પણ જાણ કર્યા વિના ચાલી નીકળી ટ્રેનની નીચે આપઘાત કરવા પહોંચી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 181 ટીમે યુવકને ફોન કરીને ઘટના સ્થળ પર બોલાવીને યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતું, સાથે જ ટીમે તેમને કાયદાકીય જોગવાઈઓ, આવા કૃત્યોના પરિણામો અને સામાજિક જવાબદારી વિશે વિસ્તૃત માહિતી આપી સલાહ સુચન અને માર્ગદર્શન પણ પુરું પાડ્યું હતું. 181 ની ટીમે યુવકને તેની ભુલનુ ભાન ક૨ાવી પાઠ ભણાવ્યો હતો જેથી યુવકને પોતાની ભૂલનો અહેસાસ થતાં યુવકે મહિલાની માફી માંગી હતી.
આમ 181 મહિલા અભયમ ટીમની સક્રિયતા સંવેદનશીલતા અને નિષ્ણાત માર્ગદર્શનનાં કારણે સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું.
આમ મહિલાએ જીવનમાં ક્યારેય પણ આપઘાતનો વિચાર નહીં કરવાનો સંકલ્પ લીધો હતો અને ક્યારેક પણ ઘરેથી નીકળી ન જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને રાજી ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવ્યું હતું. મહિલાને તેમના પરિવાર જનોને સહિ સલામત સોંપવામાં આવતા પરિવારે પણ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.




