HomeGujaratમાળીયા મિયાણા હાઈવે અને વાંકાનેર પંથકમાં ખાણખનીજ વિભાગની ધમાકેદાર કાર્યવાહી

માળીયા મિયાણા હાઈવે અને વાંકાનેર પંથકમાં ખાણખનીજ વિભાગની ધમાકેદાર કાર્યવાહી

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી ખનીજચોરીને રોકવા માટે ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે છેલ્લા પાંચ દિવસમાં જોરદાર અભિયાન ચલાવ્યું હતું. રાજકોટ ખાણખનીજ વિભાગના અધિકારી અંકિત ભટ્ટની આગેવાનીમાં કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન માળીયા મિયાણા નેશનલ હાઈવે સહિત વાંકાનેર પંથકમાં અનેક વાહનો કબ્જે કરાયા હતા.

માહિતી અનુસાર, કચ્છમાંથી રોયલ્ટી ભર્યા વગર મોરબી જિલ્લામાં લાવવામાં આવતી ફાયર ક્લે, ચાઈના ક્લે અને બોલ ક્લે ભરેલા વાહનો પર ફ્લાઈંગ સ્ક્વોડે ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન માળીયા મિયાણા નેશનલ હાઇવે પર પાંચ ડમ્પર તેમજ મોરબી શહેરની આસપાસથી બે ડમ્પર સહિત કુલ સાત વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા. અંદાજે રૂ.2 કરોડના વાહનો જપ્ત કરીને ખનીજચોરી કરતા ઈસમો પાસેથી રૂ.19.25 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમી આધારે ફ્લાઈંગ સ્ક્વોડે દરોડો પાડી એક હિટાચી મશીન તથા ત્રણ ડમ્પર કબ્જે કર્યા હતા. આ વાહનોની અંદાજિત કિંમત રૂ.1.25 કરોડ હોવાનું જણાયું છે.

આ રીતે છેલ્લા પાંચ દિવસમાં થયેલી કાર્યવાહી દરમિયાન મોરબી જિલ્લામાં કુલ રૂ.3.25 કરોડના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. ખાણખનીજ વિભાગની આ કડક કાર્યવાહીથી વાંકાનેર તથા માળીયા મિયાણા પંથકમાં ગેરકાયદેસર ખનન તથા ખનીજચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો છે.

ખાણખનીજ વિભાગ દ્વારા સતત ચેકિંગ અને દરોડા પાડવામાં આવી રહ્યા છે. તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ, આવનારા દિવસોમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular