HomeMorbiમોરબીમાં કૂતરાનો કહેર : 20થી વધુ લોકોને બચકા ભરતા ભયનો માહોલ, હોસ્પિટલમાં...
મોરબીમાં કૂતરાનો કહેર : 20થી વધુ લોકોને બચકા ભરતા ભયનો માહોલ, હોસ્પિટલમાં પણ ગડબડનો આક્ષેપ
મોરબી શહેરમાં આવારા કૂતરાના વધતા ત્રાસે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં એક સાથે 20થી વધુ લોકોને કૂતરાઓએ કરડ્યાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે ભય ફેલાયો છે.
આકસ્મિક બનેલી આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એકસાથે મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચતા હોસ્પિટલમાં પણ દોડધામનો માહોલ સર્જાયો હતો.
દર્દીઓ અને તેમના પરિવારજનોએ હોસ્પિટલમાં ફરજ પર રહેલા ગાર્ડના વર્તન અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓનો આરોપ છે કે સારવાર દરમિયાન યોગ્ય સહકાર મળ્યો નથી અને ગાર્ડ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું, જેના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ ઘટનાના પગલે વિસ્તારમાં આવારા કૂતરાઓનો ભય વધ્યો છે અને લોકોમાં અસુરક્ષાની લાગણી વ્યાપી છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી આવારા કૂતરાઓ પર નિયંત્રણ મેળવી આવી ઘટનાઓને અટકાવી શકાય.