ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે મોરબી જિલ્લાના માળીયા વિધાનસભા ક્ષેત્રમાં વિશેષ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પંચાયત સદસ્ય વિકાસભાઈ થડોદા, મહેશભાઈ પારજીયા તથા ખાખરેચી ગ્રામ પંચાયતના સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેમને પોષણયુક્ત આહારની કીટ વિતરણ કરી શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા પંચાયત સદસ્ય તથા દાતા વિકાસભાઈ થડોદાએ ઉમદા માનવીય અભિગમ સાથે જણાવ્યું કે, ‘ટીબીના દર્દીઓના આરોગ્યમાં સુધારો લાવવા માટે પોષણયુક્ત ખોરાક અગત્યનો છે. આ અભિયાનને સફળ બનાવવા દરેક સંસ્થા અને સમાજજનોએ આગળ આવી સહયોગ આપવો જરૂરી છે.’
કાર્યક્રમ દરમિયાન માળીયા તાલુકાના હેલ્થ ઓફિસર ડૉ. ડી. જી. બાવરવા તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણાએ ટીબી દર્દીઓ માટે પોષણનું મહત્વ સમજાવી દાતાઓને પ્રોત્સાહિત કર્યાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી તાલુકાના સુપરવાઈઝર શૈલેષભાઈ પારજીયા, ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર તથા તમામ આરોગ્ય સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.




