મોરબી શહેરમાં સાત વર્ષ પહેલા થયેલા એક ગંભીર હુમલાના કેસમાં કોર્ટએ આરોપીઓને સજા ફટકારી છે. પ્રાપ્ત વિગતો મુજબ, તારીખ 01/09/2018 ના રોજ આરોપી સંજય ગાંડુભાઈ ભરવાડ (રહે. ભરવાડ શેરી, હાલ શ્યામ પાર્ક પંચાસર રોડ) તથા વિવેક ભરતભાઈ ઝાલા (રહે. મોરબી)એ ફરિયાદી સાગર કાંતિલાલ ચાવડા (રહે. નાની વાવડી) પર છેડતીની શંકાના આધારે વાવડી ચોકડી નજીક ગૌશાળા પાસે રસ્તા પર અટકાવી ઝઘડો કર્યો હતો.
ઝઘડા દરમિયાન સંજય ભરવાડે પોતાની પાસે રહેલી છરીથી સાગર પર હુમલો કરી તેના ડાબા હાથના કાંડાથી પંજા સુધી ઘા મારતાં સાગરનો પંજો હાથથી અલગ પડી ગયો હતો. વધુમાં ડાબા પગના ગોંઠણના ભાગે પણ ઘા પહોંચતા સાગર ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલા બાદ બંને આરોપી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત સાગર ચાવડાની ફરિયાદના આધારે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ તથા ફરિયાદ પક્ષના વકીલ જીતેન ડી. અગેચાણિયાની દલીલોને ધ્યાનમાં રાખી મોરબી કોર્ટે તા. 08 ના રોજ નિર્ણય આપ્યો હતો. કોર્ટ દ્વારા બંને આરોપીઓને ચાર વર્ષની સખ્ત કેદની સજા તેમજ ભોગ બનનારને કુલ રૂ.70,000નું વળતર ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે.




