મોરબી જિલ્લો અને શહેરમાં જમીન કૌભાંડના કેસો ઝડપથી વધી રહ્યા છે, જાણે પૂર્ણ જિલ્લાજ જમીન માફિયાનો હબ બની ગયો હોય તેમ લાગતું બન્યું છે. વજેપર સર્વે નં. 602ના કૌભાંડ પછી હવે વધુ એક મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે. આ કિસ્સામાં ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેચવાનો પ્રયાસ કરનાર બે ઈસમો વિરુદ્ધ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, મોરબીના શનાળા રોડ ભક્તિનગર નજીક રહેતા 40 વર્ષીય બાબુભાઈ તળશીભાઈ ચાવડાએ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ આરોપી અમીતભાઈ મોહનભાઈ પરમાર (રહે. નવાબસ સ્ટેન્ડ પાછળ રાધાપાર્ક) અને દર્શીત પ્રવીણભાઈ મેવાડા (રહે. લાયન્સનગર, મોરબી)એ મળીને ફરીયાદીના પિતાની જમીન વેચવાનું કાવતરું ઘડ્યું હતું.
આરોપીઓએ બાબુભાઈના પિતા તળશીભાઈ ભગવાનજીભાઈ સતવારા માલિકીની વજેપર સર્વે નંબર 767 પૈકી 2ની જમીન કોઈ મીલનભાઈ પ્રકાશભાઈ ફુલતરીયાને વેચવાની વાત કરી ખોટી ઓળખ અને ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા.
ફરીયાદ મુજબ આરોપીઓએ ફરીયાદીના પિતાના નામે બનાવટી આધાર કાર્ડ, પાન કાર્ડ, ખોટો વારસાઈ આંબો તૈયાર કર્યો હતો. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે અમીતભાઈ પરમારે પોતાના ફોટાવાળું ડુપ્લિકેટ આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી તેમાં તળશીભાઈનું નામ દર્શાવી તેને મૂળ દસ્તાવેજ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જમીન કૌભાંડના વધતા કેસોને ધ્યાનમાં રાખીને વધુ તપાસ શરૂ કરી છે.

