નાની ઉંમરના માસુમ ભૂલકાઓ હાર્ટ એટેકનો ભોગ બનતા અનેક કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાંકાનેરના કણસાગરા (પ્રજાપતિ) પરિવારના 13 વર્ષીય જૈમિલનું મહેસાણા ખાતે ફૂટબોલ રમતી વેળાએ હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. આ અણધારી ઘટનાથી સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ કરુણ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના ભાજપના અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિના પૌત્ર અને ગૌતમભાઈ સુરેશભાઈ કણસાગરાનો 13 વર્ષીય પુત્ર જૈમીલ કણસાગરા જે સ્ટેટ લેવલનો ફૂટબોલ પ્લેયર હતો, તેને ઉચ્ચ અભ્યાસ અને ફૂટબોલની વધુ તાલીમ માટે મહેસાણાની તપોવન ઈન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ આઠમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં જૈમિલ હોસ્ટેલમાં રહેતો હતો.
મળેલી વિગતો અનુસાર, ગત સાંજે આશરે 5:30 વાગ્યા આસપાસ જૈમીલ શાળામાં તેના સહવિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમી રહ્યો હતો. તે સમયે તેને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તે મેદાન પર ઢળી પડ્યો હતો. શાળા સંચાલકો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું અવસાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, જૈમીલ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો અને નાનપણથી જ તેને ફૂટબોલ પ્રત્યે લગાવ હતો. પરિવારથી દૂર લાડકવાયાના અણધાર્યા મોતના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સદગતનું બેસણું તા.28ને શુક્રવારે બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી ધર્મનગર સોસાયટી, પંચાસર રોડ, વાંકાનેર ખાતેના તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવ્યું છે.

