HomeMorbiમોરબીમાં જમીન દલાલની ઘાતકી હત્યાનો પર્દાફાશ
મોરબીમાં જમીન દલાલની ઘાતકી હત્યાનો પર્દાફાશ
અપહરણ બાદ ફાર્મહાઉસમાં ઢોર માર, લાશ સળગાવી કોંક્રીટમાં દાટી દીધી; 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો
મોરબી શહેરમાં છેલ્લા સાત દિવસથી લાપતા રહેલા જમીન દલાલ તાજમહંમદ કરીમભાઈ ભટ્ટીની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો સત્તાવાર ખુલાસો થયો છે. આ મામલે મૃતકના 22 વર્ષીય પુત્ર રિયાઝભાઈ તાજમહંમદભાઈ ભટ્ટીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે સાત શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા તાબડતોબ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળેલ ફરિયાદ મુજબ, તાજમહંમદભાઈ છેલ્લા 15 વર્ષથી જમીન દલાલીનો વ્યવસાય કરતા હતા. આરોપી થોભણભાઈ ઘેલાભાઈ અઘારા સાથે જમીનની લેતીદેતી ચાલી રહી હતી. દસ્તાવેજી કાર્યવાહી ન થતાં મનદુઃખ ઊભું થયું હતું. તાજેતરમાં જમીન અપાવવાના બહાને તાજમહંમદભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. નાણાકીય વિવાદ અને જૂના ખારને કારણે આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
લાલબાગથી અપહરણ, ફાર્મહાઉસમાં ક્રૂર હુમલો
19 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે 12:30 વાગ્યે આરોપી બાલુભાઈ અઘારાએ જમીન જોવા અને સોદાની વાતચીત માટે તાજમહંમદભાઈને લાલબાગ સેવાસદન મેઈન ગેટ પાસે બોલાવ્યા હતા. તેઓ તેમના મિત્ર હકાભાઈ સાથે ત્યાં પહોંચ્યા હતા. ત્યાંથી બાલુભાઈએ તેમને પોતાની કારમાં બેસાડ્યા હતા. માર્ગમાં અન્ય આરોપીઓને પણ કારમાં બેસાડીને ભડીયાદ નજીક આવેલા ફાર્મહાઉસ પર લઈ જવામાં આવ્યા હતા. અહીં પ્લાસ્ટિકના પાઈપ અને લાકડાના બડીકા વડે તાજમહંમદભાઈ પર ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના પરિણામે તેમનું મોત નિપજ્યું હતું.
લાશ સળગાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ
હત્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે આરોપીઓ લાશને પીપળી રોડ પર આવેલા ‘શિવાય કોલ’ નામના કારખાને લઈ ગયા હતા. ત્યાં ખાડો ખોદી લાકડાં અને ડીઝલ વડે લાશ સળગાવી દીધી હતી. બાદમાં ખાડા પર સિમેન્ટ કોંક્રીટનો ધાબો ભરી દેવાયો હતો. પોલીસે એક શકમંદની પૂછપરછ દરમિયાન સ્થળ સુધી પહોંચીને તપાસ કરતા માનવ કંકાલના બળેલા અવશેષો મળી આવ્યા હતા.
7 આરોપીઓ સામે ગુનો નોંધાયો
પોલીસે બી.એન.એસ.ની કલમ 103(1), 61(2), 115(2), 238, 54 અને 135 હેઠળ નીચેના આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે: (1) બાલુભાઈ થોભણભાઈ અઘારા (2) જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા (3) રમેશભાઈ અરજણભાઈ અઘારા (4) વિશાલ રમેશભાઈ વાધડીયા(5) ભાવેશ થોભણભાઈ અઘારા(6) જયદિપભાઈ કાનાભાઈ સેરશીયા (7) થોભણભાઈ ઘેલાભાઈ અઘારા વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે પોલીસ દ્વારા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં આ બનાવે ભારે ચકચાર મચાવી છે.