HomeMorbiમોરબી હત્યા કાંડનો મોટો ભેદ ઉકેલાયો: જમીન દલાલી હત્યા કેસમાં 5 આરોપીની...
મોરબી હત્યા કાંડનો મોટો ભેદ ઉકેલાયો: જમીન દલાલી હત્યા કેસમાં 5 આરોપીની ધરપકડ; 2 ફરાર
મોરબી શહેરને હચમચાવી નાખનાર તાજમામદભાઈ ભટ્ટી હત્યા કેસમાં મોરબી પોલીસને ગણતરીના કલાકોમાં જ મોટી સફળતા મળી છે. પૂર્વ આયોજિત કાવતરું રચીને કરાયેલી આ ઘાતકી હત્યાના મામલે પોલીસે મુખ્ય આરોપીઓ સહિત કુલ 5 શખ્સોને ઝડપી પાડ્યા છે.
મોરબી ડીવાયએસપી જે.એમ. આલ દ્વારા ધરપકડ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
પોલીસના સકંજામાં આવેલા આરોપીઓ
તપાસ દરમિયાન હાથ ધરાયેલા સઘન સર્ચ ઓપરેશનમાં નીચેના પાંચ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે: બાલુભાઈ થોભણભાઈ અઘારા
થોભણભાઈ ઘેલાભાઈ અઘારા
રમેશભાઈ અરજણભાઈ અઘારા
વિશાલ રમેશભાઈ વાધડીયા
જયદીપભાઈ કાનાભાઈ સેરશીયા
કેવી રીતે ઉકેલાયો કેસ?
તાજમામદભાઈ ગુમ થયાની નોંધ બાદથી જ પોલીસ શકમંદો પર બારીક નજર રાખી રહી હતી. પૂછપરછ દરમિયાન શકદાર બાલુભાઈ અઘારા કડકાઈ સામે ભાંગી પડ્યો અને સમગ્ર હત્યાકાંડનો ભેદ ખુલ્યો.
જમીનના સોદામાં આપેલા 5 લાખ રૂપિયા પરત મેળવવા અને દસ્તાવેજ બાબતે ચાલી રહેલી માથાકૂટનો અંત લાવવા માટે આ કાવતરું રચાયું હોવાની કબૂલાત આરોપીએ કરી હતી.
હજુ બે આરોપી ફરાર
FIRમાં નોંધાયેલા 7 આરોપીઓ પૈકી ભાવેશ થોભણભાઈ અઘારા અને જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા હાલ પોલીસ પકડથી દૂર છે. બંનેની શોધખોળ માટે પોલીસ ટીમો વિવિધ સ્થળોએ દોડતી થઈ છે.
પરિવારજનોનો ખૂની ખેલ
પોલીસ તપાસ મુજબ, તમામ સંબંધીઓએ એકસંપ થઈને તાજમામદભાઈનું અપહરણ કર્યું હતું. બાદમાં ભડિયાદ નજીક આવેલા ફાર્મ હાઉસમાં ઢોર માર મારીને હત્યા કરી હતી.
પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી દાટી દેવામાં આવી હતી. આ ગુનામાં પિતા, પુત્ર, ભાઈ, ભત્રીજો અને જમાઈ જેવા પરિવારના સભ્યો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
હથિયારો અને વાહનો કબજે કરવાની કાર્યવાહી
પોલીસ હવે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજમાં છે. હત્યામાં વપરાયેલા પ્લાસ્ટિકના પાઇપ, લાકડાના બડીકા તેમજ અપહરણ અને લાશના નિકાલ માટે વપરાયેલી ફોર્ચ્યુનર જેવી ગાડીઓ કબ્જે કરવાની કાર્યવાહી પીઆઈ વી.એન. પરમારની દેખરેખ હેઠળ ચાલી રહી છે.