HomeMorbiમોરબીના જુના સાદુળકા ગામે માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા; ચાંદીના છતર અને દાનપેટી...
મોરબીના જુના સાદુળકા ગામે માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા; ચાંદીના છતર અને દાનપેટી તોડી રૂ.50 હજારની ચોરી
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ રાત્રિના સમયે મંદિરના તાળા તોડી અંદર પ્રવેશ કરી ચાંદીના છતર અને દાનપેટીમાં રહેલી રોકડ રકમ મળી કુલ અંદાજે રૂ. 50,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ જુના સાદુળકા ગામે રહેતા કનુભા રઘુભા ઝાલા (ઉ.વ. 70) દ્વારા અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર તસ્કરોએ શક્તિ માતાજીના મંદિરના તાળા તોડી અંદર પ્રવેશ કરી મૂર્તિ પર ચડાવેલા ચાંદીના છતર (આભૂષણ) ચોરી કરી લીધા હતા. આ ચાંદીના છતરનું કુલ વજન આશરે 750 ગ્રામ હોવાનું અને તેની કિંમત રૂ. 48,000 જેટલી હોવાનું જણાવાયું છે. ઉપરાંત દાનપેટીમાં રહેલા રૂ. 2,000 રોકડ રૂપિયા પણ તસ્કરો લઈ જતા કુલ રૂ. 50,000નો મુદ્દામાલ ચોરી ગયો હતો. ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.