HomeMorbiએક જ આરોપી, બે પોલીસનો દાવો! આકાશ સોલંકી કેસમાં રાજકોટ-મોરબી પોલીસ વચ્ચે...

એક જ આરોપી, બે પોલીસનો દાવો! આકાશ સોલંકી કેસમાં રાજકોટ-મોરબી પોલીસ વચ્ચે જસની જંગ

એનડીપીએસ કેસમાં સંડોવાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી આકાશ સોલંકીને લઈને રાજકોટ અને મોરબી પોલીસ વચ્ચે ગૂંચવણભર્યો બનાવ સામે આવ્યો છે. બંને જિલ્લાની પોલીસે અલગ-અલગ તારીખે આરોપીને ઝડપી પાડ્યાનો દાવો કરતા હવે “કોણે પહેલા પકડ્યો?” તેવો સવાલ ચર્ચાનો વિષય બન્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ૨ એપ્રિલના રોજ રાજકોટ જિલ્લાના શાપર વિસ્તારમાંથી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી અને કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ ગામે રહેતા તથા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના વતની આકાશ સોલંકીને ઝડપી લીધો હતો. રાજકોટ પોલીસ દ્વારા આ અંગે પ્રેસનોટ પણ જાહેર કરવામાં આવી હતી.

પરંતુ આશ્ચર્યજનક રીતે, ત્યારબાદ ૩ એપ્રિલના રોજ મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પણ એ જ આરોપીને ઝડપી પાડ્યાનો દાવો કરવામાં આવ્યો. બંને જિલ્લાની પોલીસની પ્રેસનોટમાં અલગ-અલગ તારીખે ધરપકડ બતાવવામાં આવતા સમગ્ર મામલો શંકાસ્પદ બની ગયો છે.

આ ઘટનાએ પોલીસ તંત્રમાં સંકલનની ખામી કે પછી જસ ખાટવાની હોડ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. ચર્ચા એ પણ છે કે રાજકોટ પોલીસે પહેલેથી જ આરોપીને ઝડપી લીધો હોવા છતાં મોરબી એલસીબી દ્વારા પોતાની કામગીરી તરીકે રજૂ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની જાય છે. શું તેઓ આ ગેરસમજ દૂર કરી બંને જિલ્લાની પોલીસ વચ્ચે પારદર્શિતા લાવશે કે પછી આ જસની જંગ આગળ પણ ચાલુ રહેશે તે જોવું રહ્યું.

RELATED ARTICLES

Most Popular