ટંકારા નગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાવા જઈ રહી છે ત્યારે રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. ભાજપ દ્વારા હજી સુધી ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી, છતાં અંદરખાને તીવ્ર ગતિએ તૈયારીઓ ચાલી રહી હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપે ઘણા ઉમેદવારોને ટેલિફોનિક સૂચનાઓ આપી દીધી છે અને તેમને ફોર્મ ભરવાની તૈયારી પણ કરાવી દેવામાં આવી છે. આશરે તમામ 24 બેઠકો માટે ઉમેદવારોના ફોર્મ ભરીને તૈયાર રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ વચ્ચે, કેટલાક સંભવિત ઉમેદવારોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક સ્તરે ઉમેદવારોની પસંદગી થઈ ગઈ હોવાની ચર્ચા વધુ વેગ પકડી રહી છે. સ્થાનિક કાર્યકરોમાં પણ ઉમેદવારો અંગે સ્પષ્ટતા થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. જોકે, ભાજપ તરફથી હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા વધી ગઈ છે. હવે સૌની નજર ભાજપ ક્યારે સત્તાવાર યાદી જાહેર કરે છે તેના પર ટકેલી છે.





